દેશભરમાં લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી હવે ચૂંટણી આચારસંહિતા દૂર થઈ ગઈ છે ત્યારે ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર એક્શનમાં આવી ગઈ છે. ઉત્તર પ્રદેશ પોલીસે ઓપરેશન ક્લિન હેઠળ છેલ્લા ચાર જ દિવસમાં 16 એન્કાઉન્ટર કર્યા છે, જેમાં બે ગુનેગારોએ જીવ ગુમાવ્યા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકસભા ચૂંટણીની આદર્શ આચાર સંહિતા દૂર થયા પછી તમામ વિભાગોના કામકાજમાં ગતિ લાવવાનો આદેશ આપ્યો છે.
તેની અસર જોવા પણ મળી રહી છે. છેલ્લા ચાર દિવસમાં પોલીસ વિભાગે એન્કાઉન્ટર કરીને અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. ગુંડાઓ સાથેની અથડામણની 16 ઘટનાઓમાં બે ગુંડા માર્યા ગયા છે તેમજ અન્ય 14 ઘાયલ થયા છે.
ડીજીપી મુખ્યાલયના નિર્દેશ પર વિવિધ જિલ્લામાં કુલ 61 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ સાથે જ વિભાગમાં પ્રમોશન્સના આદેશ પણ આપી દેવાયા છે. પોલીસ વિભાગે 53 અપર પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ (એએસપી)ને વરિષ્ઠ વેતનમાનમાં બઢતી આપવાનો આદેશ આપ્યો છે. બીજી બાજુ ડીજીપી મુખ્યાલયે 643 હેડ કોન્સ્ટેબલને સબ ઈન્સ્પેક્ટર પદ પર પ્રમોટ કરવાનો આદેશ આપ્યો છે.
પોલીસે એન્કાઉન્ટરમાં બિહારના એક કુખ્યાત વોન્ટેડ ગુનેગાર નિતેશ રાયને ઠાર કર્યો છે. નિલેશ રાય પર બિહારમાં રૂ. 2.25 લાખનું ઈનામ જાહેર કરાયું હતું. તે બિહારના બેગુસરાયનો રહેવાસી હતો. વધુમાં જૌનપુર પોલીસે રૂ. 1 લાખનું ઈનામ ધરાવતા વોન્ટેડ પ્રશાંત સિંહ ઉર્ફે પ્રિન્સને જિલ્લાના ખેતસરાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અથડામણમાં ઠાર કર્યો હતો. તે 7 વર્ષથી ભાગેડૂ હતો.