રાજકોટ શહેરમાં રહેતાં એક મરાઠી પરિવારને તમારા ઘરમાં સોનુ ભરેલો હાંડો છે તે કાઢી આપીશ કહીં બિહારી શખ્સે મહિલા પર દુષ્કર્મ આચરી રૂ।.16 લાખની છેતરપીંડી આચરી નાસી છૂટતાં ભક્તિનગર પોલીસની ટીમે આરોપીને ગણતરીની કલાકોમાં કોડીનારથી દબોચી સઘન પૂછપરછ હાથ ધરી હતી.
બનાવ અંગે 30 વર્ષીય પરિણીતાએ જણાવ્યું હતું કે, તેણીને સંતાનમાં એક પુત્ર છે. તેનાં માતા-પિતા હયાત નથી અને ભાઈ અમદાવાદ રહે છે. તેનાં માસીજીની પુત્રી જે માંગરોળ રહે છે, તેના ઘરે બે માસ પહેલા તેની સાસુ ગઈ હતી. જ્યાં તેની સાસુને તેણે એવી વાત કરી હતી કે, અમારા ઘરે એક ગુરૂજી આવ્યા હતા અને ઘરની જમીનમાં કિંમતી ચીજવસ્તુઓ કે ઝવેરાત હોય તો ખબર પડી જાય છે, અમારા મકાનમાંથી તેણે મહાદેવનાં પરિવારની મૂર્તિઓ, લક્ષ્મીજીની મૂર્તિઓ અને સોનાના મોતી કાઢી આપ્યા છે.
જે વાત તેના સાસુએ તેને કરી હતી. ગઇ તા.13 મે ના રોજ તેના સાસુ અને માસીજીની પુત્રી મોરબી રોડ પર રહેતી તેની નણંદનાં ઘરે ગયા હતા. તે દિવસે સાંજે સાસુએ તેને કોલ કરી કહ્યું કે, ગુરૂજી હાલ રાજકોટમાં છે અને તેને ફોન કરાવી આપણા મકાને પગલા પાડવા બોલાવ્યા છે. તેની થોડીવાર બાદ તેની સાસુ, નણંદ અને માસીજીની પુત્રી તેનાં ઘરે આવ્યા હતા. સાંજે 7.30 વાગ્યે ગુરુજી કારમાં તેનાં ઘરે આવ્યા હતા. ઘરે આવ્યાં બાદ ચા પીધા બાદ ગુરુજીએ તેને સાથે આવવા કહ્યું હતું. ત્યારબાદ તેને સાથે રાખી મકાનમાં બધે આંટો મારી રૂમની પાછળ આવેલા મોટા ખુલ્લા રૂમમાં એક જગ્યાએ ઉભા રહી બે લીંબુ મંગાવી, તેને તેનાં આખા શરીરે અડાડી, વિધિ બાદ તેની નણંદને કહ્યું કે, હું તમને 15 કરોડ બનાવી આપીશ, પરંતુ તમારે મને 70 હજાર આપવા પડશે.
ત્યારબાદ તેની નણંદે ગુરુએ બતાવેલા સ્કેનર ઉપર 70 હજાર ટ્રાન્સફર કર્યા હતાં. જ્યારે તેણીએ 35 હજાર રોકડા આપ્યા હતાં. બે દિવસ બાદ ગુરુજી ફરીથી તેનાં ઘરે આવ્યા હતાં. તે વખતે તેને એક રૂમમાં લઇ જઈ, આંખો બંધ કરી, બેસી જવાનું કહ્યા બાદ તેનાં શરીર પર હાથ ફેરવવાનું શરૂ કર્યું હતું. બાદમાં અડધા વસ્ત્રો ઉતરાવી ફરીથી શરીર પર હાથ ફેરવી કહ્યું કે, અભી શક્તિ નહીં મિલ રહી હે, આ પછી આરોપી જતો રહ્યો હતો.
ત્યારબાદ ગુરુજી બે-ત્રણ દિવસે તેનાં ઘરે આવી, મકાનમાંથી સોનુ કાઢી દેવાની લાલચ આપી, તેનાં વસ્ત્રો કઢાવી, આખા શરીરે હાથ ફેરવતો રહ્યો હતો. આ કૃત્ય છ વખત કર્યું હતું. છેલ્લે ગઇ તા. 4 નાં ગુરુજી તેણીના ઘરે આવ્યો હતો અને તેને તથા પતિને પાછળનાં ખુલ્લા રૂમમાં લઇ જઇ લાલ કટકો પકડાવી વિધિ કરી હતી. એટલુ જ નહીં તે રૂમમાં જે ખાડો ખોદાવ્યો હતો. ત્યાં ચુંદડી, નાળીયેર, હળદરથી અગરબતી કરી વિધિ કરી હતી. સાથો સાથ આમાથી સોનુ ભરેલો હાંડો નીકળશે જે આવતીકાલે શુધ્ધ થઈ જશે તેમ કહ્યું હતું.
વિકૃત બનેલા ગુરુજીએ તેણીને રૂમમાં લઈ જઈ તેનાં પતિને બહાર મોકલી રૂમની તમામ લાઇટો બંધ કરાવી તેનાં વસ્ત્રો ઉતરાવી, તેનાં શરીર પર હાથ ફેરવી, પાન ખવડાવી, સેટી પર બળજબરીથી સુવડાવી, તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને શ્રુષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. બાદમાં આવતીકાલે સોનાનો ઘડો કાઢી દઇશ તેમ કહી જતા રહ્યો હતો. ગઈ તા.પ નાં તેનાં પતિને ગુરુજીએ કોલ કરી પાછળનાં રૂમમાં જે ખાડો છે તે પૂરી દેવાનું કહ્યું હતું. એટલું જ નહીં સાંજે ઘરે આવવાનું કહ્યા બાદ તે ઘરે ન આવતાં આરોપીને ફોન કર્યો હતો. જે બાદ આરોપીએ મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. જે બાદ તેઓ સાથે છેતરપીંડી થયાની જાણ થતાં પોલીસ મથકે દોડી આવ્યાં હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ એમ.એમ.સરવૈયા અને ટીમે આરોપીને કોડીનાર પંથકમાં આવેલ દરગાહમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીને પોલીસ મથકે લાવી પૂછતાછ કરતાં તેનું નામ ભૂષણપ્રસાદ રાજદેવ પ્રસાદ સૈની (ઉ.વ.57),(રહે. મૂળ બિહાર, હાલ જયપુર રાજસ્થાન જણાવ્યું હતું. વધુમાં પોલીસે જણાવ્યું કે, આરોપી બે સંતાનનો પિતા છે અને કાપડનો ધંધો કરે છે. ખરીદી માટે અવાર-નવાર અમદાવાદ અને જૂનાગઢ આવતો હતો ત્યારે કોડીનારમાં આવેલ દરગાહ પર જતો અને ત્યાં રોકાતો પણ હતો. તે વખતે ફરિયાદીની માસીજીની પુત્રી સાથે પરિચય થયો હતો. તેના મારફત ફરિયાદી સાથે સંપર્કમાં આવ્યો હતો.
મહિલા પર દુષ્કર્મ આચરી રૂપીયા પડાવી લેનાર ઢોંગી બ્રિજભૂષણને કોડીનારમાં આવેલ દરગાહના સીદીકિબાપુ સાથે અજમેરમાં મુલાકાત થઈ હતી. જે બાદ તેમજ તે કાપડની ખરીદી કરવાં જૂનાગઢ આવતો ત્યારે કોડીનાર આવતો રહેતો હતો. જયાં ફરિયાદીની માસી સાથે મુલાકાત થયાં બાદ કૃત્યની શરૂઆત કરી હતી.