કેટલીકવાર પોલીસની સામે એવા કિસ્સાઓ આવે છે જે તેમને આશ્ચર્યચકિત કે પરેશાન કરી દે છે. આવું જ કંઈક તેલંગાણા પોલીસ સાથે થયું છે. રાજ્યના હનમકોંડામાં પોલીસ સાથે એક વિચિત્ર ઘટના બની છે. અહીં પોલીસને માહિતી મળી કે તળાવમાં એક લાશ પડી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તે લગભગ 8 કલાક સુધી તળાવના કિનારે લાશ પડી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
તળાવ પર લોકોની ભીડ જામી હતી. પોલીસ આવતાની સાથે જ બધાએ તેમને તળાવમાં પડેલા એક વ્યક્તિ તરફ ઈશારો કર્યો. લોકોએ જણાવ્યું કે સવારે લગભગ 7 થી 2 વાગ્યા સુધી એક અજાણ્યા વ્યક્તિની લાશ તળાવમાં પડી હતી. પોલીસે આસપાસના લોકો પાસેથી માહિતી એકઠી કરી અને પછી મૃતદેહ પાસે પહોંચી. પોલીસે તળાવમાં પડેલા વ્યક્તિનો હાથ પકડીને તેને ભાર કાઢ્યો.
પોલીસે તળાવમાં પડેલા વ્યક્તિને હાથ પકડીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને બહાર ખેંચતાની સાથે જ હલચલ મચી ગઈ હતી. તે પાણીમાંથી નીકળીને ઊભો થઈ ગયો પછી પોલીસથી હાથ છોડાવીને ઊભો રહ્યો. આ દ્રશ્ય જોઈને ત્યાં ઉભેલા લોકો અને પોલીસ પણ દંગ રહી ગઈ હતી. પોલીસ અને ભીડને જોઈને તે વ્યક્તિ પણ ડરી ગયો. લગભગ 8 કલાક સુધી લાશની જેમ બેભાન અવસ્થામાં પડેલી વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં હતી તે જોઈને બધાને આશ્ચર્ય થયું.
જ્યારે તળાવમાં પડેલો વ્યક્તિ ગાઢ નિંદ્રામાંથી જાગી ગયો ત્યારે તે ચોંકી ગયો હતો. તેણે પહેલા પોલીસથી હાથ છોડાવ્યો અને પછી મોં પર પાણી નાખીને મોંઢું ધોયું. જે પોલીસકર્મીએ તેને ખેંચ્યો તેના હાથ પર પણ પાણી નાખીને હાથ ધોવડાવ્યો. જ્યારે તે તળાવમાંથી બહાર આવ્યો તો પોલીસ અને ત્યાં હાજર લોકોએ તેને તળાવમાં પડવાનું કારણ પૂછ્યું. પહેલા તો તે વ્યક્તિ થોડો ગભરાયો અને પછી તળાવમાં સૂવાનું કારણ કહ્યું.
પોલીસના જણાવ્યા અનુસાર તળાવમાં પડેલો વ્યક્તિ આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાનો રહેવાસી છે. તે ડીઝલ કોલોની, કાઝીપેટમાં રહે છે અને ગ્રેનાઈટની ખાણમાં કામ કરે છે. આ વ્યક્તિનું કહેવું છે કે આ કાળઝાળ ગરમીમાં દરરોજ 12 કલાક સતત કામ કર્યા બાદ તે ખૂબ જ થાકી ગયો હતો. આ કારણે તે ગરમી અને થાકથી થોડી રાહત મેળવવા માટે તળાવમાં સૂવા આવ્યો હતો.આ દરમિયાન તેને ગાઢ ઊંઘ આવી ગઈ અને તે સુઈ ગયો હતો. આ ઘટના પછી લોકોને આશ્ચર્ય થાય છે કે પાણીની અંદર આટલી ગાઢ ઊંઘ કોઈને આવી શકે છે?