ગુજરાતમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીને લઈ ગત ફેબ્રુઆરી માસમાં પરીક્ષા યોજવામાં આવી હતી, જોકે ફાઈનલ આન્સર કીમાં અનેક છબરડા સામે આવતાં ઉમેદવારોમાં ભારે નારાજગી ફેલાઈ છે, ઉમેદવારોના ભાવિ સાથે રમત રમાઈ રહી હોવાના દાવા સાથે ગાંધીનગર સચિવાલય ખાતે રજૂઆત માટે ઉમેદવારો દોડી આવ્યા હતા.
ત્રીજી વારની પરીક્ષામાં પણ છબરડાનાં આક્ષેપ સાથે ઉમેદવારોએ 27મી જૂન સુધીમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો આગામી સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષાને લઈ ગૌણ સેવાના સચિવ સમક્ષ ઉમેદવારોએ રજૂઆત કરી હતી, જ્યાં ઉમેદવારોના પ્રશ્નોનું નિરાકરણ આવશે તેવી બાંયધરી આપવામાં આવી હતી. ગૌણ સેવા મંડળની કામગીરી સામે સવાલો ઉઠાવાયા હતા કે, એવી કઈ કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું છે જે સરકારના અધિકારીઓની વાતને કાને ધરતા નથી. ઉમેદવારોની માગણી હતી કે, 27મી જૂન સુધીમાં સુધારેલી ફાઈનલ આન્સર કી ફરી જાહેર કરવી જોઈએ, સાથે ટીબીઆરટી પદ્ધતિના બદલે ઓફલાઈન પદ્ધતિથી પરીક્ષા લેવાની પણ માગણી કરી હતી.
મહત્ત્વનું છે કે, ગત ફેબ્રુઆરીમાં 800થી વધુ જગ્યા માટે પરીક્ષા યોજવામાં આવી હતી.અનેક પ્રશ્નો અયોગ્ય હોવાની ફરિયાદો ઊઠી ત્યારે કેટલાક પ્રશ્ન રદ્ કરવામાં આવ્યા હતા. એક દાવો એવો પણ કરાયો હતો કે, ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષામાં પહેલા 30 જેટલા પ્રશ્નો રદ્ કરાયા હતા પણ હજુ 50થી વધુ પ્રશ્નોમાં છબરડા છે.