કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ ગુજરાતમાં એક વિદેશી કંપનીના રોકાણ અને સબસીડીને લઈને સળગતા સવાલો કર્યાં છે. તેમણે શુક્રવારે સવાલ ઉઠાવ્યો કે, ભારતને અમેરિકાની સેમીકંડક્ટર કંપની માઈક્રોન ટેકનોલોજીના ઈન્વેસ્ટમેન્ટની જરૂર છે, જે ગુજરાતમાં 2.5 બિલિયન ડોલર યુનિટનું રોકાણ કરી રહી છે.
આ કંપની ગુજરાતમાં દરેક નોકરી માટે 3.2 કરોડ રૂપિયા સરકાર પાસેથી સબસીડી લઈ રહી છે. કર્ણાટકમાં પાર્ટીના કાર્યકર્તાઓને એક ટેલિવિઝન લાઈવ સંબોધનમાં કંપનીનું નામ લઈને તેઓએ આ સવાલ કર્યા હતા. જોકે, એક દિવસ બાદ તેમણે રાજ્યના મામલે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી.
કુમાર સ્વામી મોદી સરકાર 3.0 માં મંત્રી બન્યા બાદ શુક્રવારે બેંગલુરુ પરત ફર્યા હતા. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટથી લગભગ 5 હજાર નોકરીઓ પેદા થશે. તેના માટે આપણે 2 બિલિયન ડોલરની સબસીડી આપી રહ્યાં છીએ. જો તમે ગણતરી કરો, તો આ રકમ કંપનીના કુલ ઈન્વેસ્ટમેન્ટના 70 ટકા થાય છે.
કુમાર સ્વામીએ અધિકારીઓને સવાલ કર્યો કે, આટલું મોટું બજેટ આપવું કેટલું યોગ્ય કહેવાય. તેમણે આગળ કહ્યું કે, બીજી તરફ નાના ઉદ્યોગ છે. ઉદાહરણ તરીકે, પીનેયા (બેંગલુરુમાં એક ઔદ્યોગિક ક્ષેત્ર) માં નાનો ઉદ્યોગ છે. તેઓએ કેટલા લાખ નોકરી પેદા કરી છે. તેમને શું ફાયદો મળ્યો. હું આ વિશે વિચારી રહ્યો છું કે, દેશના ધનની રક્ષા કેવી રીતે કરું.