સુરતના જહાગીરપુરા વિસ્તારમાં પતિ-પત્ની અને બે સાળી રાત્રે સૂતાં બાદ સવારે ઊઠ્યાં જ નહીં. ચારેયે સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે, તપાસ ચાલુ છે. ચારેય મૃતકો રાત્રે રસ-પૂરી જમ્યાં હતાં અને બાદમાં સૂતાં હતાં, જેમાં એક મહિલાએ વોમિટિંગ કર્યાનાં નિશાન પણ જોવા મળ્યાં છે. ત્યારે આ ઘટના સામૂહિક આપઘાતની છે કે ફૂડ-પોઈઝનિંગથી ચારેયનાં મોત થયાં છે એ કહેવું હાલ મુશ્કેલ છે. તો ઘરમાં ગેસ ગીઝર પણ ચાલુ હતું તો ગેસ ગૂંગળામણથી મોત થયાંની શક્યતા પણ જોવાઇ રહી છે. પોલીસે સાચું કારણ જાણવા માટે એફએસએલની મદદ લીધી છે. એફએસએલની સેમ્પલ લેવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઘટનાને લઈને રાજ રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં સોંપો પડી ગયો છે. લોકો બાલ્કનીમાંથી જોઈ રહ્યા છે. હાલ એક પછી એક મૃતદેહ નીચે લાવી ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.
ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે જશુબેન છે એ ઘરમાલિક છે. જ્યારે બીજી બે મહિલા છે એ તેમની બહેનો છે. જ્યારે પુરુષ છે તે તેમના બનેવી છે. જશુબેનના દીકરાનું ઓપરેશન કર્યું હોવાથી ત્રણેય તેમના ખબરઅંતર પૂછવા આવ્યાં હતાં. રાત્રે જશુબેનના દીકરાના ઘરે બધા જમ્યા હતા. જમ્યા પછી બધાં જશુબેનના ઘરે ગયાં હતાં. ઘટનાસ્થળે વોમિટિંગ કર્યાનું જોવા મળ્યું છે, આથી ફૂડ-પોઈઝનિંગ થયું હતું કે પછી કોઈ ઝેર લીધું હતું એ અંગે તપાસ ચાલી રહી છે. ઘરમાં ગેસ ગીઝર ચાલુ હતું, આથી એનાથી કોઈ અસર થઈ હતી કે નહીં એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ. પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જશુબેન પ્યૂનની નોકરી કરતાં હતાં. તેમનું નિવૃત્તિનું છેલ્લું વર્ષ હતું. બાકીના લોકોને શૂઝની દુકાન છે. હાલ સુસાઈડ કર્યું હોવાનું લાગતું રહ્યું નથી અને કોઈ મોટી ઇન્જરી પણ દેખાઈ નથી. પોસ્ટમોર્ટમ થયા પછી જ જાણવા મળશે કે કયા કારણોથી મોત થયાં છે. પરિવારજનો ફૂડ-પોઈઝનિંગ માની રહ્યાં છે.
મૃતકોનાં નામ
1. જશુબેન કેશવભાઈ વાઢેર (ઉં.વ.58)
2. શાંતુબેન વાઢેર (ઉં.વ.55)
3. ગૌબેન હીરાભાઈ મેવાડા (ઉં.વ. 55)
4. હીરાભાઈ દાનભાઈ મેવાડા (ઉં.વ. 60)