રાજકોટના અગ્નિકાંડમાં હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરાયા નથી અને જવાબદાર મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા છે, તેવા આક્ષેપ સાથે આજે (15 જૂન) કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી કમિશનરને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી હતી. આ રેલીમાં કોંગ્રેસના ગુજરાતના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જિજ્ઞેશ મેવાણી, વિમલ ચુડાસમા સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. સીટના વડા સુભાષ ત્રિવેદીને બદલાવવાની માગ સાથે પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા કોંગ્રેસે તૈયારી બતાવી છે. જો સરકાર દ્વારા રજૂઆત પર ધ્યાન નહિ દેવામાં આવે તે આગામી 25 જૂને રાજકોટ બંધની ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી છે.
ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, આજે રાજકોટ પોલીસ કમિશનરને મળી તેમને વિગતથી માહિતગાર કર્યા છે. આ રજૂઆતમાં ખાસ જણાવાયું છે કે, અગાઉ જે રાજકોટ મ્યુ. કમિશનર હતા, તેમને તપાસ સોંપવામાં આવે તે યોગ્ય નથી. જેના નેજા હેઠળ ભ્રષ્ટાચાર થયો હોય તેવા જ અધિકારી તપાસ કરે તો સત્ય બહાર આવી શકે નહીં. ગુજરાત પોલીસ વિભાગમાં જેનું સારું નામ છે. તેમજ જેના પર લોકોને વિશ્વાસ છે, તેવા અધિકારીને તપાસ સોંપવી જોઈએ. જુદા-જુદા વિભાગમાંથી પીડિતનાં વકીલો અને પરિવારો જેના નામ કહે તેને તપાસ સોંપવી જોઈએ. અગાઉ મ્યુ. કમિશનર જગદીશન જેમ લોકોના દિલ જીતી ગયા હતા, તેવી કામગીરી પોલીસ કમિશનર બ્રિજેશ ઝા પાસે હોવાનું પણ તેમણે કહ્યું હતું. તેમજ આ રજૂઆતને શાંતિથી સાંભળી ઝીણવટભરી તપાસ કરવાની ખાતરી પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.