કલોલમાં ભાજપના નેતા ગોવિંદ પટેલનો છત્રાલ ટોલબૂથના કર્મચારી સાથેની ઝપાઝપી અને ગાળાગાળીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ભાજપ નેતા ગોવિંદ પટેલ કર્મચારીને ગાળો ભાંડતા હોવાનું પણ સ્પષ્ટ સંભળાય છે.મહેસાણા હાઇવે પરના છત્રાલ પાસે આવેલા ટોલબૂથ પર ડાયવર્ઝન મામલે ગોવિંદ પટેલને ટોલબૂથના કર્મચારી સાથે માથાકૂટ થયા બાદ ઉશ્કેરાયેલા નેતાએ કર્મચારીને મારવા પણ લીધો હોવાનું સામે આવી રહ્યું છે.બીજી તરફ કર્મચારીઓ પણ ગોવિંદ પટેલ સાથે ઝપાઝપી કરી રહ્યાં હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ રોડ પર કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપેલું હતું. કલોલ ભાજપના નેતા ગોવિંદ પટેલ રોંગ સાઈડમાં જઈ રહ્યા હતા.જ્યારે કર્મચારીએ રોક્યા ત્યારે તેઓ કર્મચારી સાથે દાદાગીરી કરતા જોવા મળ્યા હતા.જેથી ત્યારે ભાજપ નેતા અને ટોલટેક્સના કર્મચારી વચ્ચે બરાબરની ઝપાઝપી થઈ હતી.આ વાયરલ વીડિયોમાં તેઓ ગાળા ગાળી કરતા પણ દેખાઈ રહ્યા છે. આ માથાકૂટ દરમિયાન કર્મચારીએ પ્રતિકાર પણ કર્યો હતો અને ગોવિંદ પટેલે કર્મચારી સામે પોતાની વગનો ઉલ્લેખ કરી તેને દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઘટના પછી ટોલબૂથના કર્મચારી આ ઘટના અંગે માફી માગતો હોય તેવો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જે વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.
સોશિયલ મીડિયામા વીડિયો વાયરલ થતા ટોલ ટેક્સના કર્મચારીએ વીડિયો બનાવીને સમગ્ર બાબતનો ખુલાસો કર્યો હતો. વીડિયોમાં કર્મચારી કહી કહ્યો છે કે, કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપેલું હતું. તે બાબતે માથાકુટ થતા અમારી વચ્ચે ઝપાઝપી થઈ હતી. ત્યારે અમને ખબર ન હતી કે આ વડીલ કોણ છે? બાદમાં અમને જાણ થઈ કે આ વડીલ ગોવિંદભાઈ પટેલ છે. ત્યારે અમે બધા લોકોએ તેમની માફી માંગી હતી તેમને અમને માફ કર્યા હતા પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિએ અમારો વીડિયો ઉતારી દીધો હતો. વીડિયો ઉતારીને બે દિવસ પછી ગેર સમજ ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને ધ્યાને લેવો નહીં.