અમદાવાદ શહેરમાં પોલીસ સ્ટેશન અને કોર્ટમાં ઘણી ફરિયાદો આવતી હોય છે. જેમાં મારા-મારી, સોશિયલ મીડિયા ફ્રોડ, છેતરપીંડી, છૂટાછેડા અને જમીન મકાનના કેસ આવતા હોય છે. આવી જ એક ઘટના શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા સોમાભાઈ પટેલ સાથે થઈ છે. સોમાભાઈ પટેલે થોડા સમય પહેલા અરજી કરી હતી કે તેમની દીકરીના છુટા છેડા માટે અને તેમના જમાઈ એ તેની ઉપર કેસ કર્યા છે.તેના નિકાલ કરવા માટે થઈને જીતુભાઈ બારોટ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો.
સોમાભાઈના સંપર્કમાં આવેલ જીતભાઈ બારોટે મોટા રાજકીય નેતાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ભલામણથી તમારા કોર્ટ કેસને પતાવી આપવાનું કહ્યું હતું. સોમભાઈ પટેલને આવા મોટી વાતો કરીને તેમની પાસેથી રૂ.૩ કરોડની માંગણી કરી હતી. જેમાં પહેલા પચાસ ટકા એટલે કે દોઢ કરોડ આપવાની રહેશે અને કામ પૂરું થઈ જાય પછી બાકીના દોઢ કરોડ આપવાના રહેશે તેવી વાતચીત કરી હતી. આ અંગે સોમાભાઈ પટેલે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ બારોટ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
અમદાવાદમાં આવેલી મયુરપંખ સોસાયટીમાં રહેતા સોમાભાઈ પટેલે ગત મે મહિનામાં ફરિયાદ અરજી કરી હતી. માનવ મંદિર મેમનગર વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ બારોટની ઓફિસે તે મળવા ગયા હતા. જીતુભાઈ બારોટ સરકારમાં અટવાયેલા જમીનના કેસો અને પોલીસ કેસમાં ફસાયેલા લોકોને બહાર કાઢી આપવાનું કામ કરે છે. તેમની રાજકીય વગ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઘરોબો ધરાવે છે. સોમાભાઈ પટેલ જીતું બારોટને મળવા માટે તેની ઓફિસ ગયા હતા. ત્યાં આગળ જીતુ બારોટે શેખી મારીને કહ્યું હતું ઘણાં ઉચ્ચ અધિકારીઓ અને મોટા નેતાઓ સાથે તેનું ઉઠવા બેસવાનું છે.
સોમાભાઈ પટેલ પોતાની દીકરીના છુટાછેડાના કેસ તથા તેમના જમાઈ એ કરેલા અન્ય કેસોનું નિવારણ લાવવા માટે તેમની પાસે ગયા હતા. જીતુભાઈએ તેમને આ તમામ કેસોનું નિવારણ તેઓ લાવી આપશે, આ પ્રકારની વાતચીત જીતુ બારોટ કરી હતી. અને આ કામ કરવા પેટે રૂ.3 કરોડની માંગણી પણ કરી હતી. જેમાં કામ શરુ કરતા પહેલા દોઢ કરોડ આપવાના રહેશે અને કામ પૂરું થઈ જાય બાદમાં બાકીના દોઢ કરોડ ચૂકવી આપવાના રહેશે. આટલી મોટી રકમની માંગણી કરવાની વાત સોમાભાઈ ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી. ત્યારબાદ આ અંગે સીઆઈડી ક્રાઈમમાં અરજી કરી હતી સાથે રેકોર્ડીંગ પણ પુરાવા તરીકે મોકલી આપ્યા હતા. આ અરજીના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે જીતુ બારોટ ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામ પણ લઈ રહ્યો હતો. સાથે જ રાજકીય નેતાઓના નામ પણ ફોનમાં લઈ રહ્યો હતો. જેના આધારે સીઆઈડી ક્રાઈમે જીતુ બારોટ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.