ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગઈકાલે મળેલી
સામાન્ય સભામાં મોવડી મંડળ દ્વારા નવા મેયર તરીકે
મીરાબેન પટેલ, ડેપ્યુટી મેયર તરીકે નટવરજી ઠાકોર અને
સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે ગૌરાંગ વ્યાસના નામોની
જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે વિધિવત રીતે
નવ નિયુક્ત મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડીંગ
કમિટીના ચેરમેને વિધિવત્ ચાર્જ સંભાળતા મોટી સંખ્યામાં
શુભેચ્છકો ઉમટી પડ્યા હતા.
લોકસભા ચૂંટણીના કારણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કિમીટીના ચેરમેનની વરણીનો વિલંબ થયો હતો. જોકે જેવી લોકસભા ચૂટણી પૂર્ણ થતાં પૂર્વ મેયર હિતેશ મકવાણાએ હોદેદારોની નિયુક્તિ માટેનો એજન્ડા જાહેર કરી 10 મી જૂનનાં રોજ સામાન્ય સભા બોલાવી હતી. જોકે, અંદરો અંદની ખેચતાણના કારણે સમગ્ર મુદ્દો દિલ્હી દરબાર સુધી પહોંચ્યો હતો. ઉત્તર અને દક્ષિણ જુથના વર્ચસ્વની લડાઈના કારણે મોવડી મંડળ પણ અવઢવમાં મુકાઈ ગયું હતું. જેનાં કારણે છેલ્લી ઘડીએ પૂર્વ મેયર હિતેશ મકવાણાએ એકાએક 10 મી જૂનની સભા કેન્સલ કરીને ગઈકાલે 18 મી જૂનનાં રોજ સભા બોલવામાં આવી હતી. જોકે નિર્ધારિત સમય વિતી ગયો છતાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેનનું કોકડું ગૂંચવાયેલું રહ્યું હતું. ત્યારે ગઈકાલે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેનનાં નામોની જાહેરાત થઇ હતી.
મોવડી મંડળ દ્વારા મેયર તરીકે મીરાબેન પટેલ, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર તેમજ સ્ટેન્ડીંગ ચેરમેન ગૌરાંગ વ્યાસનાં નામોની જાહેરાત થતાં ત્રણેય હોદ્દેદારો દક્ષિણનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા. આ મુલાકાત મનપાના રાજકારણમાં ઘણી સૂચક માનવામાં આવી રહી છે. તો આજે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેને વિધિવત રીતે ચાર્જ સંભાળતા મોટી સંખ્યામાં પક્ષના પદાધિકારીઓ, કાર્યકરો અને શુભેચ્છકો ઉમટી પડ્યા હતા.