ગાંધીનગરના કુડાસણ રિલાયન્સ ચાર રસ્તા નજીક પ્રમુખ મસ્તાના કોમ્પલેક્ષનાં ત્રીજા માળે ગોલ્ડન ઑક સ્પાની આડમાં બહારથી જરૂરિયાતમંદ યુવતીઓને બોલાવી ફૂલ સર્વિસનાં ઓથાર હેઠળ દેહવિક્રયનાં ધમધમતા કારોબારનો ડમી ગ્રાહક મોકલીને ઈન્ફોસિટી પોલીસે પર્દાફાશ કરી સ્પાની સંચાલિકા અને માલિક વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિક પ્રીવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ન્યુ ગાંધીનગર વિસ્તારમાં સ્પાની આડમાં ધમધમતા અનૈતિક વેપારનો ઈન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ પી આર ચૌધરી સહિતની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ ટીમ ન્યુ ગાંધીનગર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમ્યાન બાતમી મળી હતી કે, કુડાસણ ખાતે આવેલ પ્રમુખ મસ્તાના કોમ્પલેક્ષના ત્રીજા માળે આવેલ શોપ નં. 348 માં આવેલ ગોલ્ડન ઑક સ્પાનો માલિક ઋત્વીક ચંદ્રસેન હાવડે સ્પાની આડમાં અનૈતિક દેહવેપારનો ધંધો ચલાવે છે.
જે બાતમી આધારે ઉપરોક્ત સ્પામાં ડમી ગ્રાહકને મોકલવામાં આવ્યો હતો. અને પોલીસની ટીમ સ્પાની આજુબાજુમાં ગોઠવાઇ હતી. બાદમાં અગાઉથી નક્કી થયા મુજબ ડમી ગ્રાહકે ઈશારો કરતા જ પોલીસ ગોલ્ડન ઑક સ્પામાં ત્રાટકી હતી. જ્યાં કાઉન્ટર પર બેસેલ મહિલાને જેતે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી પોલીસે સર્ચ કરતા સ્પામાં અલગ-અલગ છ રૂમ બનાવવામાં આવેલા હતા. જે પૈકીના એક રૂમમાંથી ડમી ગ્રાહક – રૂપલલના મળી આવ્યા હતા.
બાદમાં કાઉન્ટર બેસેલ મહિલાની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ ડોલી આકાન કજુરામ ગોગાઈ (રહે હાલ.348, જનતાનગર, હનુમાન મંદિર પાસે, ચાંદખેડા, અમદાવાદ મુળ રહે.બાલીગન ગામ, પોડ સ્ટ.ધુકુઆ-ખાના, જિ.લખીમપુર, આસામ) હોવાનું જણાવ્યું હતું. જે છેલ્લા બે માસથી સ્પાનું સંચાલન કરી મસાજ અને દેહવિક્રિયના 3500 રૂપિયામાંથી રૂ. 500 પોતે રાખતી અને રૂ. 1500 રૂપલલનાને અને રૂ. 1500 સ્પાના માલિક ઋત્વીકને આપતી હતી.
જ્યારે મોડાસાની રૂપલલનાએ કબૂલાત કરેલી કે, એકાદ મહિનાથી સ્પામાં મસાજ કરવા આવતી અને ફૂલ સર્વિસ પેટે રૂ. 3500 લેવામાં આવતાં હતાં. ઉપરોકત ડમી ગ્રાહક સાથે ભાવતાલ નક્કી થયા પછી રૂમમાં ગયા હતા. અને થોડીવારમાં પોલીસ પહોંચી ગઈ હોવાની વધુમાં કબૂલાત કરી હતી. જેનાં પગલે ઈન્ફોસિટી પોલીસે રોકડ સહિત 8 હજાર જેટલો મુદ્દામાલ જપ્ત કરી સંચાલિકા – માલિક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.