લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર બિહાર પહોંચેલા વડાપ્રધાન મોદીએ રાજગીરમાં સ્થિત ઇન્ટરનેશનલ નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે આ નવું કેમ્પસ વિશ્વને ભારતની ક્ષમતાઓનો પરિચય કરાવશે. આ પ્રસંગે બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, મુખ્યમંત્રી નીતિશ કુમાર, વિદેશમંત્રી જયશંકર, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પણ હાજર હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે નાલંદા માત્ર ભારતના ભૂતકાળનું પુનરુજ્જીવન જ નથી, તેની પાસે વિશ્વ અને એશિયાના ઘણા દેશોનો વારસો પણ છે. પીએમ મોદીએ નાલંદા યુનિવર્સિટીના પુનઃનિર્માણમાં ભાગ લેવા બદલ ભારતના મિત્ર દેશોને અભિનંદન પાઠવ્યાં હતાં. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે નાલંદા માત્ર એક નામ નથી, પરંતુ એક ઓળખ છે, એક સન્માન છે. નાલંદા એક મૂલ્ય છે, એક મંત્ર છે, એક ગૌરવ છે, એક ગાથા છે. નાલંદા એ સત્યની ઘોષણા છે કે અગ્નિની જ્વાળાઓમાં પુસ્તકો ભલે બળી જાય પરંતુ આ જ્વાળાઓ જ્ઞાનને બાળી શકતી નથી. તેમણે આશા વ્યક્ત કરી કે નાલંદા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આવનારા દિવસો મહત્વના રહેશે. વિદ્યાર્થીઓને અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ પોતાના જ્ઞાનનો ઉપયોગ સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે કરે. તમારા જ્ઞાન થકી વધુ ઉમદા ભવિષ્યનું નિર્માણ કરો. નાલંદાનું ગૌરવ એ ભારતનું ગૌરવ છે. તમારું જ્ઞાન સમગ્ર માનવતાને નવી દિશા આપશે. તેમણે કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે આપણા યુવાનો આવનારા સમયમાં સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરશે. ભારતને વિશ્વના જ્ઞાનના કેન્દ્ર તરીકેની ઓળખ ફરી પાછી મળશે. નાલંદાનો અર્થ સમજાવતા પીએમ મોદીએ કહ્યું કે નાલંદાનો અર્થ એવો થાય છે કે જ્યાં શિક્ષણ અને જ્ઞાનનો અવિરત પ્રવાહ હોય. શિક્ષણ સીમાઓથી પર છે. તે નફા અને નુકસાનના પરિપ્રેક્ષ્યથી પણ પર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂને શ્રીનગરમાં આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે. કાશ્મીરમાં પ્રસિદ્ધ દાલ સરોવરના કિનારે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે વિવિધ વર્ગના 7,000થી વધુ લોકો પીએમ મોદી સાથે જોડાશે. વડાપ્રધાન મોદી એક સભાને સંબોધિત કરશે અને યોગ સત્રમાં પણ ભાગ લેશે. વડાપ્રધાન કાર્યાલયએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોદી 20 અને 21 જૂને જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી 20 જૂને સાંજે 6 વાગ્યે શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર ખાતે ‘એમ્પાવરિંગ યુથ, ટ્રાન્સફોર્મિંગ J&K’ કાર્યક્રમમાં ભાગ લેશે.