તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, અહીં ગેરકાયદેસર દારૂ પીવાથી ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે, જ્યારે 60થી વધુ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ કેસની તપાસ ચાલુ છે, પોલીસનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે. ઘટનાની માહિતી મળતા જ જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંત પણ હોસ્પિટલ પહોંચ્યા અને પીડિતોને મળ્યા.
મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું, ‘ગેરકાયદેસર દારૂના વેપારમાં સામેલ અને તેને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓને પણ સજા કરવામાં આવશે, આ ઘટના સાંભળીને મને ખૂબ જ આઘાત લાગ્યો છે. ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ પણ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને પીડિતોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.
આ ઘટના બાદ એક્શન મોડમાં આવેલી પોલીસે ગેરકાયદેસર દારૂ વેચનાર કે. કન્નુકુટ્ટીની ધરપકડ કરી છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની પાસેથી 200 લિટર ગેરકાયદેસર દારૂ પણ મળી આવ્યો છે. સીએમ સ્ટાલિને આ મામલે સીબી-સીઆઈડી તપાસનો આદેશ આપ્યો છે અને પીડિત પરિવારોને સહાય પૂરી પાડવા વરિષ્ઠ મંત્રીઓ ઈવી વેલુ અને એમએ સુબ્રમણ્યમને કલ્લાકુરિચી મોકલ્યા છે.
કલ્લાકુરિચી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રવણ કુમાર જાટાવથની બદલી કરવામાં આવી છે અને પોલીસ અધિક્ષક સમય સિંહ મીણાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમના સ્થાને એમએસ પ્રશાંતને કલ્લાકુરિચી જિલ્લાના નવા જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે અને રજત ચતુર્વેદીને નવા પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષના નેતા એડાપ્પડી કે પલાનીસ્વામીએ આ મામલે સ્ટાલિન સરકાર પર જોરદાર નિશાન સાધ્યું અને કહ્યું કે ‘સરકાર આવી ઘટનાઓને રોકવામાં નિષ્ફળ રહી છે. જ્યારથી ડીએમકે સરકાર સત્તામાં આવી છે ત્યારથી ગેરકાયદે દારૂના કારણે મોત થઈ રહ્યા છે, તેને નિયંત્રિત કરવામાં તે બિનઅસરકારક છે, હું સતત આ મુદ્દો ગૃહમાં ઉઠાવી રહ્યો છું પરંતુ દરેક વખતે આ મુદ્દાને નજરઅંદાજ કરવામાં આવે છે.