વેકેશન બાદ હવે શાળાઓ રાબેતા મુજબ ચાલુ થઇ ગઈ છે અને બાળકો પણ રજાઓ માણ્યા બાદ હવે રેગ્યુલર સ્કૂલે પણ જવા લાગ્યા છે, ત્યારે તમે પણ જોયું હશે કે સ્કૂલ વાન, કે રીક્ષાની અંદર બાળકોને ઠુંસી ઠૂંસીને ભરી દેવામાં આવે છે, ઘણીવાર આ જોખમી પણ સાબિત થતું હોય છે,
વડોદરા ની ઘટના!
ચાલુ સ્કૂલ વાન નો દરવાજો અચાનક ખુલતા 2 છોકરીઓ રોડ પર પટકાઈ!#vadodara #schoolvanpic.twitter.com/pBRCA07ies
— My Vadodara (@MyVadodara) June 21, 2024
જેનું તાજું જ ઉદાહરણ હાલ વડોદરામાં જોવા મળ્યું, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, આ ઘટના વાલીઓ માટે પણ લાલબત્તી સમાન છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે એક સ્કૂલવાન એક સોસાયટીમાંથી બાળકોને લઈને પુરપાટ ઝડપે જઈ રહી છે, આ દરમિયાન જ સ્કૂલવાનનો પાછળનો દરવાજો ખુલી જાય છે અને બે બાળકો નીચે પડી જાય છે.
તેમના દફ્તર પણ રોડ પર પડે છે, આ સમયે ત્યાં હાજર સોસાયટીના રહીશો પણ મદદ કરવા માટે ફટાફટ દોડી આવે છે. આ ઘટનામાં બાળકીઓને પણ ઇજા થઇ હોય એમ દેખાઈ રહ્યું છે.
આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTVમાં કેદ થઇ ગઈ હતી અને પછી તેનો વીડિયો પણ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જો કે હજુ સુધી એ વાત સામે નથી આવી કે આ ઘટના વડોદરાના ક્યાં વિસ્તારમાં બની છે, વીડિયો વાયરલ થતા જ તંત્ર દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી હતી, જેમાં આરટીઓ વિભાગને પણ સૂચના આપવામાં આવી હતી કે સ્કૂલવાનમાં ભરચક ભરવામાં આવતા બાળકોના મામલે પણ કાર્યવાહી કરવામાં આવે. વડોદરા પોલીસે પણ આ અંગે ગણતરીના દિવસ માટે સ્કૂલવાનોમાં ચેકીંગ હાથ ધર્યું હતું, પરંતુ આ ઘટના બાદ હવે તંત્ર સામે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.