NEETની પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીકના આરોપો તથા વિવાદ વચ્ચે વિપક્ષ તથા ખાસ કરીને કોંગ્રેસ દ્વારા આક્રમક દેખાવો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અંબાલામાં કોંગ્રેસના કાર્યકરો એટલી હદે રોષે ભરાયા કે તેમણે ભાજપના કાર્યાલયે જ તાળું મારી દીધું હતું. અહીં ભાજપ વિરુદ્ધ નારેબાજી પણ કરાઈ હતી. આ દેખાવોનું નેતૃત્વ AICCના સચિવ ચેતન ચૌહાણ દ્વારા કરાયું હતું.સેક્ટર 10માં ગુરુદ્વારાથી ભાજપના કાર્યાલય સુધી કોંગ્રેસી કાર્યકરોએ કૂચનું આયોજન કર્યું હતું. જ્યાં આ ઘટના બની હતી.
આ દરમિયાન પોલીસે બેરિકેડિંગ કરીને તેમને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ કોંગ્રેસીઓ એટલી હદે ગુસ્સે હતાં કે તેઓ બેરિકેડિંગ વટાવીને આગળ વધી ગયા હતા. અહીં પોલીસ સાથે ઘર્ષણ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. ભાજપના કાર્યાલયે જેવું જ કોંગ્રેસીઓએ તાળું માર્યું અને તેઓ થોડાક આઘા-પાછા થતાં જ તાળું તોડી નખાયું હતું. આ મામલે એઆઈસીસીના સચિવ ચેતન ચૌહાણે કહ્યું કે જ્યારે ભાજપ સરકાર દેશની શિક્ષણ વ્યવસ્થા સંભાળી નથી શકતી તો તેણે ભાજપના કાર્યાલય પણ ન ચલાવવા જોઇએ. જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં ત્યાં પેપર લીક થઈ રહ્યા છે.