ગાંધીનગરને સ્માર્ટ સીટી બનાવવાની હરીફાઈમાં ઘરે ઘરે 24 કલાક મીટરથી પાણી પૂરું પાડવાના પ્રોજેક્ટ અન્વયે ઠેર ઠેર પાણી ની પાઈપ લાઈનના નેટવર્ક માટે ખાડા ખોદી કાઢવામાં આવ્યા છે. જો કે ખોદેલા ખાડામાં યોગ્ય રીતે માટીનું પુરાણ નહીં કરવાના કારણે પ્રથમ વરસાદમાં જ ખાડા મોતના કૂવા બન્યા હોય એવો ઘાટ ઘડાયો છે. વીઆઈપી ગણાતા સેકટર – 8 માં નજીવા વરસાદમાં જ ખાડામાં પાણી ભરાઈ જવાની સાથે ભૂવા પડવાથી એક ગાડી પણ ફસાઈ ગઈ હતી. જેને જેસીબી બોલાવીને બહાર કાઢવાની નોબત આવી હતી.
ગાંધીનગરમાં ચોવીસ કલાક મીટરથી પાણી પુરવઠો પહોંચતો કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે સેક્ટરોમાં પાણીની પાઈપ લાઈનનું નેટવર્ક બિછાવવાની કામગીરીને આશરે દોઢ બે વર્ષ જેટલો વધુ સમય થવા આવ્યો છતાં કામ પૂર્ણ થઈ શક્યું નથી. ગત ચોમાસાના પણ પાઈપ લાઈન માટે ખોદવામાં આવેલા ખાડામાં અનેક વાહનો ફસાઈ જવાની સાથે ઠેર ઠેર કાદવ કીચડનું સામ્રાજ્ય ઉભું થયું હતું. ત્યારે આ વર્ષે પણ એજ સ્થિતિનું નિર્માણ થવાના નજીવા વરસાદમાં જ એંધાણ મળી ગયા છે. સેક્ટરમાં આડેધડ ખાડા ખોદી કાઢી પાઈપ લાઈન નાખવાની કામગીરીની પોલ ગઈકાલે રાત્રે પડેલા વરસાદમાં ખુલી ગઈ છે. હજી તો ગઈકાલે સોમવારે ખુદ મેયર મીરાબેન પટેલે સેકટર – 1 માં ચાલતી ડ્રેનેજ – પાણીની પાઈપ લાઈનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને મનપામાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા સિટી ઈજનેર ભરત પંડ્યા સહીતના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરને સેકટરોમાં ખોદવામાં આવેલા ખાડાનું તાકીદે યોગ્ય રીતે પુરાણ કરી દેવાની સુચનાઓ પણ આપી હતી.
મેયરને ગઈકાલે જ અંદાજો આવી ગયેલો કે વરસાદી સિઝન
પુર બહાર જામશે ત્યારે પાઈપ લાઈન માટેના ખોદવામાં
આવેલા ખાડા જીવલેણ સાબિત થઈ શકે એમ છે. જેનાં
પગલે ગઈકાલે જ મેયરે સંબંધિત અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને
સૂચનાઓ આપી દેવાઈ હતી. જો કે રાત્રે વરસેલા વરસાદના
કારણે શહેરમાં ખોદવામાં આવેલા ખાડાઓમાં યોગ્ય રીતે
માટીનું પુરાણ નહીં થવાના કારણે પાણી ભરાઈ ગયા હતા.
વીઆઇપી ગણાતા સેકટર – 1 માં પણ આજ સ્થિતિનું
નિર્માણ થયું હતું. માટીનું યોગ્ય પુરાણ નહીં કરવાના કારણે
અહીં ભૂવા પડ્યા હતા. અને એક ગાડી પણ ખાડામાં ખૂંપી
ગઈ હતી. તો નજીવા વરસાદમાં કાદવ કીચડ નું સામ્રાજ્ય
ઉભું થઈ ગયું હતું.
આ અંગે સ્થાનિકોએ કહ્યું કે, રાતે થોડો વરસાદ પડ્યો એમાં પાઈપ લાઈન માટે ખોદેલા ખાડા મોતના કૂવા સમાન બની ગયા છે. યોગ્ય રીતે માટીનું પુરાણ નહીં કરવાનાં કારણે ભૂવા પડવા માંડ્યા છે. સવારે ખાડામાં ગાડી ફસાઈ જવાથી જેસીબી બોલાવીને બહાર કાઢવાની ફરજ પડી હતી. આજ સ્થિતિનું સમગ્ર શહેરમાં નિર્માણ થવાનું છે. ઠેર ઠેર ખાડા ખોદી કાઢવા પછી માટીનું યોગ્ય રીતે પુરાણ નહીં થયાની ઘણા વખતથી નાગરિકોમાં બુમરાણ ઉઠી છે. તોય કોઈ જ નક્કર કાર્યવાહી કરાઈ નથી. હવે ચોમાસુ બેસી ગયું હોવાથી આગામી દિવસોના સ્થિતિ વધુ વિકટ બને એવી પૂરેપૂરી શક્યતા છે.