તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાઇ હતી. જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બે નેતાઓ અર્જુન મોઢવાડીયા અને સી. જે. ચાવડા વિજેતા બનતા તેમને હવે મંત્રી બનાવવા ગતિવિધિઓ તેજ બની ગઈ છે. ભાજપના વર્તુળોમાં સંભળાતી ચર્ચા મુજબ આ બંને નેતાઓને પક્ષ પલટા વખતે જ મંત્રીપદનું કમિટમેન્ટ કરેલું હોવાથી તે બંનેને મંત્રી બનાવવા પડે તેમ છે.
તેમની સાથે ભાજપના પાંચેક ધારાસભ્યોને પણ મંત્રી પદની લોટરી લાગી શકે તેમ છે. આગામી મહિનાના પ્રથમ સપ્તાહમાં મંત્રી મંડળનું વિસ્તરણ થવાની શક્યતા છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર 2.0 બની ત્યારે માત્ર 16 મંત્રીઓ સાથે સરકાર બનાવવામાં આવી હતી.
ભૂપેન્દ્ર પટેલ છેલ્લા અઢી વર્ષથી માત્ર 16 મંત્રીઓ સાથે સરકાર ચલાવી રહ્યાં છે. જેના લીધે અનેક મંત્રીઓ પાસે એકથી વધુ મહત્વના ખાતાઓ છે. પરંતુ હવે કોંગ્રેસ છોડીને આવેલા અને તાજેતરમાં ભાજપમાંથી પેટા ચૂંટણી જીતી ગયેલા બે નેતાઓને મંત્રી બનાવવા મંત્રી મંડળનું વિસ્તરણ કરવું પડે તેમ છે. પોરબંદરથી જીતેલા અર્જુન મોઢવાડીયા સિનિયર નેતા હોવાથી તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે વિજાપુરથી જીતેલા સી. જે. ચાવડાને રાજ્યકક્ષાના મંત્રી બનાવાય તેવી શક્યતા છે.
લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યાને મહિનો પૂર્ણ થવા આવ્યો છે. આમ છતાં હજુ સુધી વિસ્તરણના વાદળો બંધાયા ન હોવાથી આ બંને નેતાઓ ઉતાવળા થયા છે. જેને લઈને ભાજપ અને સરકારે વિસ્તરણ માટેની ગતિવિધિ તેજ બનાવી છે. ભાજપના સૂત્રોનું માનીએ તો આગામી જુલાઇ માસના પ્રથમ સપ્તાહમાં મંત્રી મંડળનું વિસ્તરણ થઈ શકે છે. જો વિસ્તરણ થશે તો ભાજપના પાંચ જેટલા ધારાસભ્યોને પણ મંત્રી પદની લોટરી લાગી શકે એમ છે. કારણ કે ડિસેમ્બર-2022માં જ્યારે ગુજરાત સરકારની રચના થઈ ત્યારે જ કેટલાક ધારાસભ્યો એવા હતા જેઓ મંત્રી પદને લાયક પણ હતા અને દાવેદાર પણ હતા. આમ છતાં તેમને મંત્રી પદથી વંચિત રહેવું પડ્યું છે. તેમની નારાજગી પણ અંદરખાને ધૂંધવી રહી છે. આથી તેવા ધારાસભ્યોનો રોષ શાંત કરવા માટે પણ તેમને મંત્રી પદ આપવું જરૂરી બન્યું છે.
વધુમાં 2017 પછી સરકારના બોર્ડ નિગમોમાં પણ નિમણૂંક કરવામાં આવી નથી. છેલ્લા સાત વર્ષથી ભાજપના કાર્યકરો અને નેતાઓ બોર્ડ-નિગમની નિમણૂંકની રાહમાં છે. આ તમામ સમીકરણોને ધ્યાનમાં લઈને ભાજપે હવે મંત્રી મંડળ વિસ્તરણનું મન બનાવ્યું છે. આ ઉપરાંત હાલના મંત્રી મંડળમાં જે મંત્રીઓનું પરફોર્મન્સ નબળું છે તેમને બદલવા માટે પણ વિચારણા થઈ રહી છે. પરિણામે આગામી સમયમાં થનાર વિસ્તરણમાં કેટલાય નવા ચહેરાને સ્થાન મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.