મંદિર જવાનો રસ્તો પૂછવાનાં બહાને એકલ દોકલ રાહદારીઓને સ્પ્રે છાંટી અર્ધ બેભાન જેવા કરી દાગીના સહિતનો કિંમતી સામાન સેરવી લઈ રફુચક્કર થઈ જતાં મામા ભાણિયાની જોડીનો લોકલ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો હતો. પોલીસે રૂ. 2.59 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ઈડર પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીનાં ભેદ ઉકેલી કાઢ્યો હતો.
ગાંધીનગર જિલ્લામાં મિલ્કત સંબંધી ગુના આચરતા ઈસમોને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડાએ આપેલી સૂચનાનાં પગલે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડી બી વાળાની અલગ અલગ ટીમો ટેકનિકલ – હ્યુમન સોર્સનાં આધારે તપાસ કરી રહી હતી. દરમિયાન રાજસ્થાન તપાસ અર્થે ગયેલા પીએસઆઇ એચ પી સોલંકીને બાતમી મળી હતી કે, દહેગામના ગણેશપુરા રહેતો સુનીલ મદારી છેતરપિંડીથી મેળવેલ સોનાના દાગીના વેચવા અર્થે મોટા ચિલોડાથી ઇસનપુર તરફ જતા રોડ ઉપરના ત્રણ રસ્તા ખાતે ફરી રહ્યો છે.
જે હકીકતના આધારે એલસીબીની ટીમે સુનીલનાથ દિવાનનાથ ચૌહાણને (મદારી) 2 લાખ 54 હજાર 543 ની કિંમતનાં સોનાના દાગીના, મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 2.59 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. જેની પૂછતાંછ કરતાં તેણે કબુલાત કરેલી કે, આજથી આશરે વીસેક દિવસ અગાઉ તેના મામા સાવનનાથ સમજુનાથ પરમાર (મદારી) (રહે. ગણેશપુરા, મદારીનગર, તા.દહેગામ) સાથે ઈડર તરફ ગયો હતો. જ્યાં વલાસણા તરફ જતા રોડ ઉપર બે મહિલાઓ ચાલતા જતી હતી. જેઓને હોય સ્વામીનારાણય મંદિર તરફ જવાનો રસ્તા બાબતે પુછવાના બહાને વાતચીત કરી સ્પ્રે છાંટી બે ભાન જેવા કરી દીધા હતા. બાદમાં એક બહેને પહેરેલ દાગીના કાઢી લીધા હતા. આ મામલે તપાસ કરતા ઈડર પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હોવાનું એલસીબીને જાણવા મળ્યું હતું. જેનાં પગલે એલસીબીએ સુનીલ મદારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.