મુખ્ય સચિવ રાજકુમાર અને માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલની ઉપસ્થિતિમાં  માણસાની આજોલ ગામની પ્રાથમિક શાળામાં  શૈક્ષણિક કારકિર્દીનો ઉત્સાહભેર પ્રારંભ 

Spread the love

વિકસિત ગુજરાત’ થકી જ ‘વિકસિત ભારત’નું લક્ષ્ય સિદ્ધ થશે : મુખ્ય સચિવ રાજકુમાર

‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’સંસ્થામાંથી વધુમાં વધુ દીકરીઓ અભ્યાસ કરીને સરકારમાં ઉચ્ચ હોદ્દા મેળવીને સમાજ ઘડતરમાં પોતાનું મહત્તમ પ્રદાન આપે તેવી આશા માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલે વ્યક્ત કરી

માણસા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતમાં ૧૦૦ ટકા શિક્ષણ જરૂરી છે. ‘વિકસિત ગુજરાત’ થકી જ ‘વિકસિત ભારત’નું લક્ષ્ય સિદ્ધ થશે તેમ’ આજે શાળા પ્રવેશોત્સવમાં માણસાના આજોલ ખાતે મુખ્ય સચિવ શ્રી રાજકુમારે જણાવ્યું હતું.

રાજ્યભરમાં ચાલી રહેલા ત્રિવસીય શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪ના આજે બીજા દિવસે મુખ્ય સચિવ  રાજકુમારે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની આજોલ ગામની સંસ્કાર તીર્થ કેળવણી મંડળ સંચાલિત આંગણવાડી, બાલવાટિકા અને પ્રાથમિક શાળામાં પ્રથમવાર દીકરા- દીકરીઓ ઉપરાંત માધ્યમિક શાળામાં ધોરણ-૯માં વિદ્યાર્થીનીઓને પ્રવેશ અપાવીને શૈક્ષણિક કારકિર્દીનો ઉત્સાહભેર પ્રારંભ કરાવ્યો હતો.મુખ્ય સચિવ રાજકુમારે બાળકોને શૈક્ષણિક કારકિર્દી અંગે શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, શિક્ષણ એ જ્ઞાનની જ્યોત છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન કરાવવાના ઉમદા હેતુથી વર્ષ-૨૦૦૩માં પ્રથમવાર શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. છેલ્લા બે દાયકામાં તમામની મહેનત બાદ આજે ગુજરાતની શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન કરાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શક્યા છીએ. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇએ વાલીઓ પાસે દીકરીઓને ભણાવવાનું વચન માંગ્યું હતું. જેને આજે કન્યા કેળવણીના માધ્યમથી સાકાર કરવામાં આવી રહ્યું છે. ‘ભણેલી દીકરી બે પરિવાર તારે’ તે કહેવત સાર્થક થઈ રહી છે.

વાયબ્રન્ટ ગુજરાત થકી ગુજરાતમાં સેમિકંડક્ટર, ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક, ઉડ્ડયન, ઓટોમોબાઇલ, ઊર્જા વગેરે ક્ષેત્રોમાં કરોડોનું રોકાણ આવ્યું છે. આ તમામ ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોજગારી ઉપલબ્ધ થઈ રહી છે, તેના માટે વિવિધ વોકેશનલ કક્ષાનું શિક્ષણ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દીકરીઓ ધોરણ ૯ થી ૧૨ સુધીનો અભ્યાસ વિજ્ઞાન પ્રવાહ સહિત વિવિધ ફેકલ્ટીમાં કરી શકે તે માટે આ વર્ષના બજેટમાં ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજના શરૂ કરી છે. આ નવીન ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ રૂ.૫૦,૦૦૦ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ સહાય યોજનામાં રૂ.૨૫,૦૦૦ એમ કુલ રૂ.૭૫,૦૦૦ની આર્થિક સહાય દીકરીઓને ભણાવવા માટે આપવામાં આવે છે. આજે મોબાઈલના યુગમાં સ્વાસ્થ્યની સાથે ચારિત્ર્યવાન બાળકોનું ઘડતર કરવા શાળામાં જ ભણતર અને મેદાનમાં રમતનું પ્રત્યેક શિક્ષણ આપવું પડશે. શાળામાં રમતની સાથે સાથે મહાપુરૂષોના જીવન ચરિત્ર્ય વાંચવાનો અને તેને અનુસરવાનો શોખ કેળવવા આ પ્રસંગે વિદ્યાર્થીનીઓને મુખ્ય સચિવશ્રીએ પ્રેરણા આપી હતી.

માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલે બાળકોની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી સરકારે ચાલુ વર્ષના કુલ બજેટમાં ૧૮% એટલે કે અંદાજે રૂ‌.૫૫,૦૦૦ કરોડનું બજેટ શિક્ષણ માટે ફાળવ્યું છે. દીકરીઓને શિક્ષણ માટે આ વર્ષે નમો લક્ષ્મી તેમજ ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજના શરૂ કરવામાં આવી છે, તેમાં કુલ રૂ. ૭૫,૦૦૦ સુધીની આર્થિક સહાય કરવામાં આવે છે. આ સંસ્થામાંથી વધુમાં વધુ દીકરીઓ અભ્યાસ કરીને સરકારમાં ઉચ્ચ હોદ્દા મેળવીને સમાજ ઘડતરમાં પોતાનું મહત્તમ પ્રદાન આપે તેવી આ પ્રસંગે તેમણે આશા વ્યક્ત કરી હતી.મુખ્ય સચિવ શ્રી રાજકુમારે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણના જતન માટે વડાપ્રધાનશ્રીએ મોદીએ વિશ્વ પર્યાવરણના દિવસે આપેલા ‘એક વૃક્ષ માતાના નામે’ અભિયાનને ઘર ઘર સુધી લઈ જવા બાળકો-શિક્ષકો અને ગામજનોને અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે મુખ્ય સચિવશ્રીએ ગામના સરપંચ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી-SMCના સભ્યો તેમજ શિક્ષકો સાથે સંવાદ કરીને આજુબાજુના વાડી વિસ્તાર અને ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા શ્રમિકોના બાળકો વધુને વધુ શાળામાં આવે તેમજ પોતાના વિસ્તારમાં શિક્ષણ પ્રત્યે વધુ જાગૃતિ આવે તે માટે પૃચ્છા કરીને જરૂરી સૂચનો કર્યા હતા.સંસ્કાર તીર્થ કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી યોગીનીબેન મજુમદારે સંસ્થાનો પરિચય કરાવતા જણાવ્યું હતું કે, દીકરીઓને સંસ્કાર- શિક્ષણની સાથે આર્થિક પગભર કરવાના ઉમદા હેતુથી સ્વ.બાબુભાઈ શાહ દ્વારા વર્ષ ૧૯૬૪માં આ સંસ્કાર તીર્થની સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં આ સંસ્થામાં આંગણવાડીથી નર્સિંગ કોલેજ તેમજ સિવણ કામ સહિત વિવિધ વોકેશનલ કોર્સનું શિક્ષણ પણ આપવામાં આવે છે.

મુખ્ય સચિવશ્રી સહિત મહાનુભાવોના હસ્તે સંસ્કાર તીર્થ સંકુલમાં નવીન વર્ગ ખંડ, અટલ લેબ તેમજ કોમ્પ્યુટર લેબનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.શિષ્યવૃત્તિ માટેની NNMSની પરીક્ષામાં મેરીટમાં આવનાર તેમજ સત્રાંત પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શાળાની વિદ્યાર્થીનીઓનું મહાનુભવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્કાર તીર્થની વિદ્યાર્થીનીઓ દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ તેમજ ‘વૃક્ષારોપણ’ વિષય પર પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. સ્કાઉટ ગાઈડની દીકરીઓ દ્વારા બેન્ડથી મહેમાનોનું અનેરૂ સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ. કે. મોદી, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, SMCના સભ્યો, સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્ય શ્રી અંજનાબેન પટેલ, શિક્ષકશ્રીઓ તેમજ ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com