ગાંધીનગરમાં મુસાફરોને બેસાડી નજર ચુકવીને કિંમતી સર સામન ચોરી લેતી રીક્ષા ગેંગનાં પાંચ ઈસમો પૈકીનાં ત્રણને લોકલ ક્રાઇમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે ઝડપી લીધા છે. પોલીસે કુલ રૂ. 1 લાખ 30 હજારનો મુદ્દામાલ જપ્ત કરી અડાલજ, કલોલ અને સાબરમતી પોલીસ મથકમાં નોંધાયેલા કુલ ચાર ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
ગાંધીનગરમાં છેલ્લા ઘણા વખતથી રીક્ષા ગેંગ મુસાફરોને મંજિલ સુધી પહોંચાડવા રિક્ષામાં બેસાડી તકનો લાભ લઈ કિંમતી સર સામના ચોરીને નાસી જતી હોવાની બૂમરાણ ઉઠી હતી. તાજેતરમાં જ ઘ – 1 થી સુભાષ બ્રિજ જવા માટે શટલ રીક્ષામાં બેઠેલા નિવૃત મામલતદારની પણ નજર ચુકવીને રીક્ષા ગેંગ સોનાનો દોરો ચોરીને ફરાર થઈ ગઈ હતી. છાશવારે આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવતા ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ સેટ્ટીએ અસરકારક રીતે પેટ્રોલીંગ કરી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવેલી છે. જે અન્વયે એલસીબી પીઆઈ ડી બી વાળાની ટીમ અડાલજ પોલીસ મથકની હદ વિસ્તારમાં રીક્ષા ગેંગનું પગેરૂ શોધવા પેટ્રોલીંગ કરી રહી હતી. દરમ્યાન મળેલી બાતમીના આધારે સબ્બીરહુસેન સુબ્રાતીભાઇ મન્સુરી (રહે. જોરાવરનગરનો ટેકરો તળાવના કિનારે, દહેગામ), મિતેષ ઉર્ફે મયુર શૈલેષભાઇ નાડીયાને (રહે.અમદાવાદ, મેમકો રેલ્વે કોર્સીંગ) તેમજ ફીરોજ ઉર્ફે બેરીયા અબ્દુલ અજીજ શેખ (હાલ રહે. હિમતનગર છાપરીયા તા.હિમતનગર જી.સાબરકાંઠા મુળ રહે.શિવનગર, દહેગામ) ઉઠાવી લેવામાં આવ્યા હતા.
જેઓની અંગ ઝડતી લેતા 80 હજાર રોકડા મળી આવ્યા
હતા. જે બાબતે ત્રણેય જણાએ સંતોષકારક ખુલાસો કર્યો
ન હતો. જેનાં પગલે વધુ કડકાઈથી પૂછતાંછ કરતાં તેમણે
કબૂલાત કરેલી કે, અડાલજ તેમજ કલોલ વિસ્તારમાં
પેસેન્જરોને રિક્ષામાં બેસાડી મુસ્કાન મોનીશ ઉર્ફે મોહસીન
મનસૂરી(રહે. વડોદરા) તેમજ અકબર આસીમખાન
પઠાણ(રહે. કડી) સાથે મળીને કિંમતી સામાન ચોરીને
નાસી ગયા હતા. જેમનો ગુનાઈત ઈતિહાસ તપાસતા
સબ્બીરહુસેન વિરુદ્ધ અમદાવાદ શહેર – ગ્રામ્ય ચોરીના
ગુના નોંધાયેલા છે. જેને દારૂ – ચોરીના કેસમાં પાસા પણ
થયેલ છે. જ્યારે ફિરોઝ વિરુદ્ધ અમદાવાદ, સાબરકાઠાં
તેમજ ગાંધીનગરમાં પણ નવ જેટલા ગુના નોંધાયેલા છે. આ
ગેંગનાં આરોપીઓ અગાઉ પણ પોલીસના હાથે ઝડપાઈ
ચૂક્યા હતા. જે અન્વયે એલસીબીએ ત્રણેયની કુલ રૂ. 1.30
લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી છે.