નજીકના ભવિષ્યમાં એવું બનશે કે એક સામાન્ય પગારદાર વ્યક્તિએ જો ઘરનું ઘર ખરીદવું હશે તો તેની પાસે સરકારની આવાસ યોજનાઓ સિવાય બીજો કોઈ વિકલ્પ ન બચે. તાજેતરના આંકડા આ વાતની સાબિતી પૂરે છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં રહેણાંક મકાનોના ભાવ સૌથી વધુ જે શહેરમાં વધ્યા છે તેમાં ચાર શહેર ગુજરાતના છે. 2019 થી લઈને 2024 સુધીમાં રાજ્યમાં મકાનના ભાવ સૌથી વધુ જો વધ્યા હોય તો તે ગાંધીનગરમાં છે અને ત્યારપછી અમદાવાદનો નંબર આવે છે.વધતા ભાવ તો ચર્ચાની એક બાજુ થઈ ત્યારે બીજો મુદ્દો પણ સમજવા જેવો છે.
મહાપાલિકાના જ આંકડાઓને સાચા માનીએ તો અમદાવાદમાં છેલ્લા 8 વર્ષમાં જેટલી પણ રહેણાંક સ્કીમ બની એમાં બે બેડરૂમ હોલ કિચનની સ્કીમ સૌથી વધુ બની જ્યારે 3 બેડરૂમ હોલ કિચનની સ્કીમ પણ નોંધપાત્ર સંખ્યામાં બની. આનો અર્થ એવો કરી શકીએ કે લોકો પણ હવે બદલાતી જીવનશૈલી પ્રમાણે કદાચ આર્થિક રીતે થોડું સહન કરવું પડે તો પણ મોટું ઘર લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આંકડાઓની માયાજાળ ઘણી લાંબી છે અને જુદી ચર્ચા માગી લે એવી છે પરંતુ મહાનગરોમાં જે રીતે મકાનના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તેને જોતા એક સામાન્ય વર્ગના વ્યક્તિ માટે ઘરના ઘરનું સપનું કદાચ અશક્ય નહીં તો દિવસે ને દિવસે મોંઘું તો થતું જ જાય છે.
2019 પછી દેશના ટોચના 50 શહેરોમાં મકાનના સરેરાશ ભાવ 27% વધ્યા છે. મકાનના ભાવ જે ટોચના 10 શહેરોમાં વધ્યા તેમાં ગુજરાતના ચાર શહેર છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં મકાનના સૌથી વધુ ભાવ ગાંધીનગરમાં વધ્યા છે.
જાન્યુઆરીથી માર્ચ સુધીમાં અમદાવાદમાં 12 હજાર 920 મકાન વેચાયા છે. અમદાવાદમાં ત્રણ મહિનામાં 45 થી 75 લાખની કિંમતના 41% મકાન વેચાયા છે. ચોથા ભાગના મકાન એવા વેચાયા જે 1 કરોડથી વધુ કિંમતના હતા. સૌથી ઓછા મકાન 25 થી 45 લાખના વેચાયા જે 20% હતા.
પોષાય એવા ભાવે ઘર મળવું દિવસે-દિવસે મુશ્કેલ છે. અમદાવાદમાં જ એક રૂમ, હોલ, કિચનના ઘરની સ્કીમ ઘટી છે. બિલ્ડર લોબી માને છે કે 1-BHKના ઘર સરકાર બનાવી રહી છે. અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં 1-BHKના ઘર બની રહ્યા છે. હવે ડેવલપર્સ પણ 2 અને 3 રૂમ રસોડાના ઘર બનાવી રહ્યા છે. લોકો વિચારે છે કે હવે વધુ રૂપિયા ખર્ચીને પણ મોટું ઘર લઈએ. અમદાવાદમાં બહારથી આવનારા લોકોની સંખ્યા વધી છે.
અમદાવાદમાં 8 વર્ષમાં રહેણાંક સ્કીમમાં કુલ 1 લાખ 40 હજાર રૂમ બંધાયા છે. સૌથી વધુ 62 હજાર 181 રૂમ 2-BHKની સ્કીમમાં બન્યા. 1-BHKની રહેણાંક સ્કીમમાં સૌથી ઓછા 18 હજાર 623 રૂમ બંધાયા. 3-BHKની સ્કીમમાં 8 વર્ષમાં 46 હજાર 415 રૂમ બંધાયા છે. 4-BHKની સ્કીમમાં 8 વર્ષમાં 13 હજાર 129 રૂમ બંધાયા છે.