વેજલપુર વિસ્તારમાં આવેલા જૈન ગૃહ ઉદ્યોગ માંથી એક મહિલાએ એક માસ અગાઉ અથાણાનું 500 ગ્રામનું જાર ખરીદતા કડવો અનુભવ થયો છે. આનંદ નગર વિસ્તારમાં રહેતા હીનાબેન રાવલે મિક્સ અથાણું ખરીદ્યું હતું. તેમણે ખરીદેલ જાર માંથી મૃત હાલતમાં ગરોળી નીકળતા મહિલાની તબિયત બગડી હતી. મહત્વનું છે કે, આ મહિલાએ અથાણાના ઝાર પર લખવામાં આવેલા કસ્ટમર કેર પર સંપર્ક કરતા કસ્ટમર કેર તરફથી પણ ઉડાવ જવાબ મળ્યો હતો.
આ સાથે કસ્ટમર કેર તરફથી અથાણાના બદલામાં રોકડ પરત કરી આપવાની બાંહેધરી આપી વાતને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો.
મહિલાએ એક માસ અગાઉ જ્યારે અથાણાંનો જાર ખરીદ્યું હતું, ત્યારથી લઈને અત્યાર સુધીમાં મહિલાનો પરિવાર અડધો અડધ અથાણું આરોગી ચૂક્યા હતા. પરંતુ ગુરુવારે રાત્રિ દરમિયાન જ્યારે તેમને અથાણું ખાવા માટે કાઢ્યું ત્યારે તેમાંથી મૃત હાલતમાં ગરોળી મળી આવી હતી. જોકે મહિલા એ પણ જણાવ્યું કે અથાણાને કારણે તેમને ડાયરિયા થઈ ગયા હતા.
આ ઘટના બનતા મહિલાના પરિવારે આ અંગે પોલીસ ફરિયાદ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને મીડિયાનો સંપર્ક સાધ્યો હતો. અથાણાં માંથી નીકળેલી ગરોળીના સમાચાર સાંભળતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ હરકતમાં આવ્યું હતું.
આ ઘટના બનતાની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જૈન ગૃહ ઉદ્યોગ ખાતે તમામ ખાદ્ય ચીજ વસ્તુઓના સેમ્પલ લેવાની કાર્યવાહી શરૂ કરી હતી. બીજી તરફ અથાણાં બનાવતા શુભ ગૃહ ઉદ્યોગ સાણંદ વિસ્તારમાં આવેલ હોવાથી કોર્પોરેશનની એક ટીમ અમદાવાદ ગ્રામ્યના હેલ્થ વિભાગે પણ તુરંત આ બાબતે કાર્યવાહી શરૂ કરી છે. મહત્વનું છે કે, આ બનાવ પ્રકાશમાં આવ્યા પહેલા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં શા માટે ન આવી તેના પર સવાલો ઉઠ્યા છે.
વેજલપુર વિસ્તારમાં આવેલા જૈન ગૃહ ઉદ્યોગના માલિક રાગવેન્દ્ર રાજપુતને આ કિસ્સા અંગે સવાલ કરતા તેમને પણ મીડિયા સમક્ષ કબૂલ્યું હતું કે, તેઓ છેલ્લા દસેક વર્ષથી ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે. પરંતુ આ પ્રકારની કોઈ પણ ફરિયાદ અગાઉ સામે નથી આવી. મહિલા અથાણું એક માસ અગાઉ ખરીદી ગયા હતા. આ ઘટના અંગે હિનાબેન રાવલે ગૃહ ઉદ્યોગનો સંપર્ક નથી કર્યો. પરંતુ પ્રાપ્ત વિગતો અનુસાર સાણંદમાં બનતા આ અથાણાંની કંપનીના કસ્ટમર કેરમાં સંપર્ક કરી ફરિયાદ અંગે વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજ્યમાં અનેક ખાદ્ય ચીજ વસ્તુઓ માંથી ઉંદર, દેડકો જેવા જીવજંતુ નીકળ્યા હોવાના સમાચાર મળી ચૂક્યા છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આવી ઘટનાઓ ફરી ન બને તે પ્રકારે કાર્યવાહી કે નકર પગલાં ક્યારે ભરે છે તે જોવું રહ્યું.