સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. આજે ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી આક્રમક મુડમાં જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ જય બંધારણની નારેબાજી કરીને લોકસભામાં પોતાના સંબોધનની શરુઆત કરી તસવીર લહેરાવતાં ભગવાન શિવને પોતાના પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા.
આ સાથે રાહુલ ગાંધીએ કહ્યુ કે, પોતાને હિંદુ ગણાવતા લોકો આખો દિવસ હિંસા કરે છે. આ તરફ રાહુલના નિવેદન બાદ સંસદમાં ભારે હોબાળો મચી ગયો હતો. ખુદ PM મોદીએ પણ ઊભા થઈ રાહુલના આ નિવેદન સામે વિરોધ નોંધાવ્યો હતો.
રાહુલ ગાંધીએ ભગવાન શિવને પોતાના પ્રેરણાસ્ત્રોત ગણાવતા કહ્યું કે, તેમને પ્રતિકૂળ સંજોગોમાં સંઘર્ષ કરવાની પ્રેરણા તેમની પાસેથી મળી છે. તેના ડાબા હાથમાં ત્રિશૂળનો અર્થ છે અહિંસા. અમે કોઈપણ હિંસા વિના સત્યનું રક્ષણ કર્યું છે. અમે ભગવાનના શરણમાં છીએ. આનાથી અમને આ પરિસ્થિતિઓ સામે લડવામાં મદદ મળી. ભગવાન શિવના આશીર્વાદનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તેમણે ઝેર પીધું હતું અને નીલકંઠ બની ગયા હતા. તેમાંથી વિપક્ષ શીખ્યા અને અમે ઝેર પીતા રહ્યા. ભગવાન શિવના ત્રણ પ્રતીકોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ત્રિશુલ આપણને અહિંસાનો સંદેશ આપે છે. આ સિવાય તેમની અભય મુદ્રામાં ઊંચો હાથ કોંગ્રેસના પ્રતિક સમાન છે.
રાહુલ ગાંધીએ ઈસ્લામનો પણ ઉલ્લેખ કરતાં પણ નિવેદન આપ્યું હતું. આ સાથે કહ્યું કે પયગંબર કહે છે કે, ભગવાન આપણી સાથે છે અને આપણે ડરવાની જરૂર નથી. એ જ રીતે ઇસ્લામમાં પણ ભયથી દૂર રહેવાનો સંદેશ આપવામાં આવ્યો છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ શીખ સંપ્રદાયના ગુરુ નાનકની તસવીર પણ બતાવી. રાહુલ ગાંધીએ ભગવાન શિવની અભયમુદ્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે ડરવાની નહીં અને ડરાવવા પણ નહીં એવો સંદેશ આપે છે. તે આવો સંદેશ આપે છે. જ્યારે પોતાને હિંદુ ગણાવતા લોકો આખો દિવસ હિંસા કરે છે. હિંદુઓને હિંસા સાથે જોડવાના મુદ્દે ભાજપના સાંસદોએ હંગામો મચાવ્યો અને તેને આ સમાજનું અપમાન ગણાવ્યું. આટલું જ નહીં,પીએમ નરેન્દ્ર મોદીએ પોતે હસ્તક્ષેપ કર્યો અને ઉભા થયા અને કહ્યું કે, સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવું અપમાન છે.
રાહુલ ગાંધીના નિવેદન પર શાસક પક્ષના સભ્યોએ હોબાળો શરૂ કર્યો હતો. PM મોદી પોતાની ખુરશી પરથી ઉભા થયા અને તેને ગંભીર મામલો ગણાવ્યો. PM મોદીએ કહ્યું કે, સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવું ગંભીર બાબત છે. તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે, PM મોદી અને ભાજપ આખો હિન્દુ સમાજ નથી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, વિપક્ષના નેતાએ જે કહ્યું તેના માટે માફી માંગવી જોઈએ. કરોડો લોકો આ ધર્મને ગર્વથી હિંદુ કહે છે.
અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધીને અભય વિશે વાત કરવાનો કોઈ અધિકાર નથી. તેમણે ઈમરજન્સી દરમિયાન સમગ્ર દેશને ડરાવ્યો હતો. તેમણે ગૃહમાં માફી માંગવી જોઈએ. રાહુલ ગાંધીના ભાષણનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘તેમણે ઈસ્લામમાં અભય મુદ્રા અંગે ઈસ્લામના નિષ્ણાતોનો અભિપ્રાય લેવો જોઈએ. તેઓએ ગુરુ નાનક દેવની અભય મુદ્રા પર ગુરુદ્વારા કમિટીનો મત પણ લેવો જોઈએ. અભયની વાત કરનારા આ લોકોએ ઈમરજન્સી દરમિયાન આખા દેશને ડરાવ્યો હતો. કટોકટી દરમિયાન હજારો શીખ સાથીઓની દિલ્હીમાં દિવસે દિવસે હત્યા કરવામાં આવી હતી. અમિત શાહે વધુમાં કહ્યું કે, વિપક્ષના નેતાએ પોતાના સંબોધન માટે માફી માંગવી જોઈએ.