પોલીસમાં આવતી ઇનપુટ અંગે કોઈ જ ચિંતાની જરૂર નથી અને જો એવું કંઈ હશે તો ગુજરાત અને અમદાવાદ શહેર પોલીસ સામનો કરવા સક્ષમ,પ્રોહિબિશન,જુગાર કે અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરવા અમારી સંપૂર્ણ તૈયારી : ગુજરાત પોલીસવડા વિકાસ સહાય
ગુજરાત પોલિસવડા વિકાસ સહાય
અમદાવાદ
7 જુલાઈ અષાઢી બીજે રથયાત્રા છે અને આ રથયાત્રામાં જગન્નાથ મંદિર ખાતે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અષાઢી બીજ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીના રથ નગરચર્યાએ નીકળશે. આજે ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી.
ગુજરાત પોલિસવડા વિકાસ સહાયે જગન્નાથ મંદિર ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં સાતમી જુલાઈના રોજ 147મી રથયાત્રા નું આયોજન થઈ રહ્યું છે ત્યારે તેના ભાગરૂપે આજે જગન્નાથ મંદિરના દર્શન કર્યા અને મહંત શ્રીના આશીર્વાદ મેળવ્યા છે. પોલીસ ભવન અને અમદાવાદ શહેરના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મીટીંગમાં રથયાત્રામાં અલગ અલગ રૂટ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખી કઈ વ્યવસ્થાઓમાં સુધારો લાવી શકીએ તે અંગે ચર્ચા કરવામાં આવી. અમદાવાદ શહેરનો માહોલ સકારાત્મક છે. અમદાવાદ શહેર પોલીસ તરફથી જરૂરિયાત પ્રમાણે તમામ વ્યવસ્થાઓ પૂરી કરવામાં આવી છે. રથયાત્રા દરમિયાન ટેકનોલોજી જેવી કે સીસીટીવી, ડ્રોન, જીપીએસ સિસ્ટમનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રથયાત્રા કોઈપણ જગ્યાએથી જોઈ શકાય તેવી અદભુત વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસમાં આવતી ઇનપુટ અંગે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી અને જો એવું કંઈ હશે તો ગુજરાત અને અમદાવાદ શહેર પોલીસ સામનો કરવા માટે સક્ષમ છે તેવું સહાયે જણાવ્યું હતું. રથયાત્રા દરમિયાન પ્રોહિબિશન, જુગાર કે અસામાજિક તત્વો પર કડક કાર્યવાહીની બાબતો હોય તે અંગે અમારી સંપૂર્ણ તૈયારી છે. ત્યારબાદ વિકાસ સહાય સહિત અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઓપન જીપમાં બેસી પેટ્રોલિંગ કરવા માટે જગન્નાથ મંદિરથી નીકળી સરસપુર સુધી પહોંચ્યા હતા.
ગઈકાલે અમદાવાદ પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ પેટ્રોલિંગ દરમ્યાન સુરક્ષાની ચકાસણી કરી હતી.
કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિમય માહોલમાં રથયાત્રા નીકળી શકે તે માટે ચુસ્ત સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ પોલીસ તંત્ર, ક્રાઇમ બ્રાન્ચ, સાઇબર ક્રાઇમ અને SOG પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.રથયાત્રાને લઈને 29 જૂનથી 7 જુલાઈ સુધી પોલીસ કર્મીઓને બંદોબસ્તમાં મુકવાના હોવાથી તમામની રજાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર અને રૂટ પર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફુટ પેટ્રોલિંગ, 3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.બંદોબસ્તમાં મહત્તમ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા AI ટેક્નલોજીથી સજ્જ 360 ડિગ્રીવાળા એક કિલોમીટરથી વધુની રેન્જ સુધી સ્પષ્ટ જોઇ શકાય તેવા કેમેરા રથયાત્રા રૂટ પર સૌથી ચાર સેન્સેટિવ પોઇન્ટ પર લગાવવા માટેની કામગીરી કરવામાં આવી છે. સમગ્ર રૂટ પર ડ્રોન મારફતે સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે.રૂટની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં 1500થી વધુCCTV કેમેરા, પોલીસ જવાનો પાસે પોકેટ કેમેરા અને ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. માહિતી મુજબ, ભગવાન જગન્નાથજી મંદિર, સરસપુર અને પોળોના થ્રીડી મેપ બનાવવામાં આવનાર છે.શહેરમાં ઠેર-ઠેર નાકાબંધી તેમજ વાહન ચેકિંગ પોઈન્ટ કાર્યરત કરી સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહેલું છે. જો કોઈ બિનવારસી પડેલ વાહન જણાય તો તેનો તાત્કાલિક કબ્જો લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોઈપણ વિસ્તારમાં નવા આગંતુક ઈસમો વિશે માહિતી મળે તો તેમના અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સીમકાર્ડ વિક્રેતા, મોબાઈલ ફોન વેચાણ કરતી દુકાનો ખાતે નિયમિત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.પોલીસ અધિકારી, કર્મચારી, SRP, CRPF, હોમગાર્ડ મળી 25,000થી વધુ મેન પાવરનો ઉપયોગ કરવામાં આવનાર છે. આ ઉપરાંત કમાન્ડ કંટ્રોલ વ્હિકલ, વજ્ર વાહન, વોટર કેનન, LAT વ્હિકલનો ઉપયોગ કરવામાં આવનાર છે. જુદા-જુદા સ્થળોએ ફાયર ફાયટર ટીમ, મેડિકલ ટીમ સાથી એમ્બ્યુલન્સ વાન તૈનાત કરવામાં આવશે. BDDS ટીમો દ્વારા રથયાત્રા રૂટનું સતત એન્ટી સબોટેઝ ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે. જુદા-જુદા સ્થળોએ QRT ટીમો તૈનાત કરવામાં આવનાર છે.