જિલ્લા પંચાયતની સોમવારે મળેલી સામાન્ય સભા તોફાની બની રહી હતી. કર્મચારી મહિલાના પતિનું અવસાન થયાં બાદ ૨૪ કલાક પહેલાં જ તેને હાજર થઇને સહિ કરવાનો હઠાગ્રહ રાખતા કર્મચરીઓ વિફર્યા હતાં અને પ્રમુખને રજૂઆતો કરી હતી. પરિણામે સામાન્ય સભામાં શાશક પક્ષની પણ માંગણીને લઇને નાયબ જિલ્લા વિકાસ અધિકારીને એક તરફી છુટા કરીને પંચાયત વિભાગમાં પરત મોકલવા , તેની પાસેની તમામ કામગીરી પરત લેવા અને વિપક્ષની માંગ પ્રમાણે રૃપિયા ૧નો દંડ કરવાનો ઠરાવ કરાયો હતો.
જોકે સભાના સમય પહેલાં જ આ મુદ્દે કર્મચારીઓના ટોળા એકત્ર થયા હતાં અને પગલા ન લેવાય તો હલ્લાબોલ મચાવવા પણ તૈયાર હતાં.
ગાંધીનગર જિલ્લા પંચાયતની સોમવારે મળેલી સામાન્ય સભામાં મુળ એજન્ડાના બદલે નાયબ જિલ્લા વિકાસ અધિકારી કૃપાલીબેન મિી દ્વારા મહિલા કર્મચારી એવા મહેકમ શાખાના ક્લાર્ક જીજ્ઞાાબેન સારડા સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂંકનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. ગત તારીખ ૨૯મી જુને જીજ્ઞાાબેનના પતિનું અવસાન થયુ હતું અને આ દિવસે જ તેમાં સહિત ૩૬ જુનિયર ક્લાર્કને જિલ્લા વિકાસ અધિકારી સંજેય મોદી દ્વારા સિનીયર ક્લાર્કના પ્રમોશન અપાયા હતાં. બીજા દિવસે જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી કૃપાલીબેન મિીએ અન્ય તમામની સાથે જીજ્ઞાાબેનને પણ હાજર થઇને સહિ કરવા જીજ્ઞાાબેનને સતાની રૃએ મજબુર કરતાં મામલો બિચક્યો હતો અને પંચાયતના કર્મચારીઓ મેદાને ઉતરી આવ્યા હતાં. સાથે અધિકારી સામે દાખલારૃપ કાર્યવાહી કરવા પ્રમુખ સમક્ષ માંગણી કરી હતી.દરમિયાન સભામાં શાશક અને વિપક્ષના સભ્યોએ આ બનાવને વખડી કાઢવા સાથે એકસુરે પગલા ભરવા માંગણી કરતાં સચિવ સ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સોકોઝ નોટિસ આપવામાં આવશે તેમ જણાવ્યુ હતું. પરંતુ સભ્યોએ કડક કાર્યવાહીની માંગ કરતાં પ્રમુખ શિલ્પાબેન જયેશભાઇ પટેલે સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ ગેર વર્તણૂંક કર્યાનું જણાવવા સાથે આ બાબતને ગંભીર ગણાવીને તત્કાલ અસરથી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પરત મોકલવા તથા જ્યાં સુધી બદલી ન થાય ત્યાં સુધી તેમના હસ્તકનો મહેકમ અને મહેસૂલનો ચાર્જ અન્ય અધિકારીને સુપ્રત કરતો ઠરાવ રજુ કરતાં તેને સર્વાનુમતે મંજુર કરાયો હતો.