ઉત્તર પ્રદેશના હાથરસમાં આવેલા રતિભાનપુરમાં બાબા ભોલેના સત્સંગ વખતે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં 120થી વધુ લોકોના મોત થતા ખળભળાટ મચી ગયો છે. આ મૃતકોમાં અનેક મહિલાઓ અને બાળકો પણ સામેલ છે, જ્યારે 150થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત છે. એટાના ચીફ મેડિકલ ઓફિસરે આ વાતની પુષ્ટિ કરી હતી.
આ ભયાવહ દુર્ઘટના પછી મુખ્યમંત્રી કાર્યાલયે પણ સંજ્ઞાન લીધું હતું. આ દરમિયાન અનેક લોકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાયા હતા. રાજ્ય સરકારે રાહત અને બચાવ કાર્યમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત એડીજી આગરા અને અલીગઢના કમિશનરના નેતૃત્વમાં આ દુર્ઘટનાની તપાસના પણ આદેશ અપાયા છે. યોગી સરકારના નિર્દેશ પછી સરકારના બે વરિષ્ઠ મંત્રી અને મુખઅય સચિવ સાથે ડીજીપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
બાબા ભોલેનો સત્સંગ ખતમ થઈ ગયો હતો. ત્યાર પછી અનેક લોકો એક નાનકડા હૉલમાંથી એકસાથે બહાર નીકળી રહ્યા હતા. એટલું જ નહીં, તેનો પ્રવેશદ્વાર પણ નાનો હતો. ત્યારે પહેલા બહાર નીકળવાની લ્હાયમાં ધક્કામુક્કી થઈ અને મામલો બિચક્યો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, આ મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ અને બાળકો છે.
ભોલે બાબાને તેમના અનુયાયીઓ નારાયણ સાકાર હરિના નામે ઓળખે . તેઓ એટા જિલ્લાના પટયાલી તાલુકાના ગામ બહાદુર નગરના રહેવાસી છે. આશરે 26 વર્ષ પહેલા તેમણે સરકારી નોકરી છોડીને પ્રવચનો આપવાનું શરૂ કર્યું હતું. તેઓ પહેલા ગુપ્તચર બ્યુરોમાં કામ કરતા હતા. બાદમાં નોકરી છોડીને સત્સંગ કરવામાં સક્રિય થયા. હાલ તેઓ પત્ની સાથે જ સત્સંગના કાર્યક્રમો કરે છે. તેમના સત્સંગમાં હજારો લોકો ભાગ લે છે. ભોલે બાબા ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં સૌથી વધુ ભક્તો ધરાવે છે.