ગુજરાતમાં હાલ શ્રીકાર વરસાદ થઇ રહ્યો છે. હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઇના આગામી દિવસોમાં કેવો વરસાદ થશે તે અંગેની આગાહી કરી છે. આ સાથે તેમણે ગુજરાતમાં આગામી 12 કલાક કેવો વરસાદ પડશે તે અંગેની પણ આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, આગામી 12 કલાકમાં કચ્છના ભાગમાં વરસાદ રહેશે.
આ સાથે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, મહેસાણા અને વિરમગામ, કલોલ, કડી બહુચરાજીમાં ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. આ સાથે દેત્રોજ, વિઠલાપુર, સાણંદ, બનાસકાંઠા,પાટણમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ સાથે નાની નદીઓમાં પૂર થશે, ભારે પાણીની આવક થવાનું અનુમાન છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 5થી 12 જુલાઇમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે એમ જણાવ્યુ છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે. આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના રહેશે.
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, જુલાઇ અને ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની સંભાવના રહેશે. તાપી નદીનું જળસ્તર પણ વધશે. કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે.
અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ હતુ કે, અમદાવાદ અને ગાંધીનગર હજુ વરસાદ ગયો નથી. વરસાદ ખેંચાતા ઉકળાટ અને ગરમી વધારે રહેશે પણ જુલાઇ માસમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ધોળકા, ધંધુકા, વિરમગામ, સાણંદમાં ભારે વરસાદની આગાહી છે. કેટલાક ભાગોમાં પુરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.