ગાંધીનગરના ચંદ્રાલા ગામની સીમ આગમન હોટલની સામે હાઇવે રોડ પર નિત્યક્રમ મુજબ હિંમતનગર તરફથી આવતા વાહનોના ચેકીંગ દરમ્યાન લકઝરી બસમાં બેઠેલા બે મુસાફરો પાસેથી પિસ્તોલ તેમજ દેશી તમંચો મળી આવતાં ચીલોડા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવવા આવ્યા છે. ત્યારે આરોપીઓની પૂછતાંછમાં એક આરોપી હરિયાણામાં ફાયરીંગ કરીને નાસતો ફરતો હોવાનું સામે આવ્યું છે.
ચીલોડા હિંમતનગર હાઇવે રોડ ચંદ્રાલા નાકા પોઈન્ટ પર પીઆઈ એન્ડરસન અસારીની ટીમ નિત્યક્રમ મુજબ વાહન ચેકીંગ કરી રહી હતી. દરમ્યાન શ્રીનાથ ટ્રાવેલ્સની બસને પણ રોકી મુસાફરોનાં સામાનની તલાશી લેવામાં આવી હતી. એ દરમ્યાન સ્લીપીંગ સીટ નં- L13-L14 માં બેઠેલા બે પેસેન્જરો પાસેથી પિસ્તોલ તેમજ દેશી તમંચો અને ખાલી કારતૂસ મળી આવ્યા હતા.
જે અંગે પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ મનીષ ગુલશનકુમાર કટારીયા (જાટ ) (રહે, મન્યુ કોલોની જ્યોતીપાર્ક, ગુડગાવ, હરીયાણા) તેમજ નિખીલ દર્શન કટારીયા (જાટ)(રહે,ધ્યાનંદ કોલોની, ગુડગાવ ગાવ ગુડગાવ, હરીયાણા) હોવાનું જણાવ્યું હતું. અને હથિયાર બાબતે નિખીલે કબૂલાત કરેલી કે, પોતે તથા મનીષ જસદણ ખાતે રહેતા વસીમભાઈના ત્યા બોડીગાર્ડની નોકરી કરે છે. બંને વતન જવા નીકળેલા ત્યારે વસીમનાં ત્યાં નોકરી કરતાં લાલાભાઇએ (રહે-જસદણ) “આપ કે પાસ કુછ સામાન પડા હૈ તો લેકે આ’ કહ્યું હતું. જેથી તેને ઉક્ત હથિયાર આપવા જતાં હતાં. જેનાં પગલે પોલીસે બંનેની હથિયાર સહિત 42 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી લાલાભાઈ વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો હતો.
બીજી તરફ આર્મ્સ એક્ટ મામલે બંને આરોપોને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવવા આવ્યા છે. જેઓની વધુ પૂછતાંછ કરતાં આરોપી મનીષ ઉર્દુ મન્નુ ગુલશનકુમાર કટારીયાએ ગત તા. 23/5/2024 ના રોજ પોતાના મિત્ર હીમાંશુ સાથે હિમાંશુના પિતા કુલદીપના કહેવાથી ગુરુગ્રામ હરીયાણા સેક્ટર-5 માં આવેલ ખુલ્લા મેદાનમાં વિવેક સતીષ ખત્રી ઉપર પીસ્ટલ વડે ફાયરીંગ કરીને કર્યું હોવાની કબૂલાત કરી હતી. જે ગુનામાં પણ મનીષ નાસતો ફરતો હોવાનું સામે આવતા પોલીસે વધુ પૂછતાંછ હાથ ધરી છે.