આણંદ SOGએ ગુરુવારે બપોરે આણંદ શહેરના સરદાર પટેલ માર્ગ ઉપર રેલવે ફાટક પાસેના કોમ્પલેક્ષમાં આવેલા એક સ્પા સેન્ટરમાં છાપો મારી સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સ્પા ખાતેથી પાંચ થાઈલેન્ડ તથા એક કેન્યાની અને બે સ્થાનિક યુવતીઓ મળી આઠ યુવતીઓ તથા આઠ ગ્રાહક યુવકો અને સ્પાના સંચાલકને ઝડપી પાડયા હતા.
આણંદના સરદાર પટેલ રાજમાર્ગ ઉપર એલીકોન રેલવે ફાટક નજીક આવેલા ક્રિશ્ના કોર્નર કોમ્પલેક્ષ ખાતે ચાલતા રોલેક્ષ ફેમીલી સ્પા સેન્ટરની આડમાં કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હોવાની બાતમી આણંદ એસઓજીને મળી હતી. જેના આધારે એસઓજીએ ગુરુવારે બપોરે સ્પા સેન્ટર ખાતે છાપો માર્યો હતો.
સ્પા સેન્ટરમાં છ વિદેશી યુવતીઓ ઝડપાઈ હતી. જે પૈકી પાંચ યુવતીઓ થાઈલેન્ડની અને એક યુવતી કેન્યાની હોવાનું જાણવા મળ્યું હતું. સાથે સાથે બે સ્થાનિક યુવતીઓ પણ ઝડપાઈ હતી. પોલીસે યુવતીઓની સાથે સાથે ગ્રાહક તરીકે આવેલા આઠ યુવકો અને સ્પા સેન્ટરના સંચાલકને પણ ઝડપી પાડયો હતો. એસઓજીએ કુલ 17વ્યક્તિઓને ઝડપ્યા હતા.
વિદેશથી આવેલી આ યુવતીઓ ભારતના વિઝિટર વિઝા ઉપર આવી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, વિઝીટર વિઝા ઉપર ભારત આવી આ યુવતીઓ દેહવ્યાપારના ધંધામાં સંકળાયેલી હોવાની શક્યતા જોવાઈ રહી છે. હાલ તો એસઓજીએ તમામ ૧૭ શખ્સોની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી છે.