ગાંધીનગરના ચરેડી છાપરામાં રહેતો યુવાન કલોલની 13 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી છેલ્લા નવ મહિનાથી નાસતો ફરતો હતો. આ મામલે હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ પણ દાખલ થઈ હતી. ત્યારે એલસીબી – 2 અને AHTU અને કલોલ પોલીસે સંયુક્ત તપાસનો દોર હાથ ધરી મહેસાણાનાં એક ગામથી સગીરાનો છુટકારો કરાવી આરોપીની ધરપકડ કરી હતી.
ગાંધીનગરના સેક્ટર – 28 ચરેડી છાપરામાં રહેતો મૂળ ગાંગોદર ગામ રાપરનો વતની રાહુલ નીલાભાઈ ઠાકોર ગત તા. 19 સપ્ટેંબર 2023, નાં રોજ કલોલની 13 વર્ષીય સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરીને ભાગી ગયો હતો. જે મામલે કલોલ શહેર પોલીસ મથકમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો પણ દાખલ થયો હતો, પરંતુ સગીરાનો ક્યાંય પત્તો નહીં લાગતાં હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરવામાં આવી હતી. મામલો કોર્ટ સુધી પહોંચ્યો હોવાની ગંભીરતા લઈ ગાંધીનગર એલ.સી.બી તેમજ AHTU તથા કલોલ શહેરની જુદી જુદી ટીમો બનાવી આરોપીને તેમજ ભોગ બનનારને શોધી કાઢવા માટે કવાયત શરૂ કરાઈ હતી.
જે અન્વયે આરોપી તેમજ ભોગ બનનારનાં સગા સબંધીઓ તેમજ મિત્ર વર્તુળનો સંપર્ક કરી સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તેમ છતા આરોપી તેમજ ભોગ બનનારનુ કોઇ પગેરુ મળેલ નહી. ઉક્ત ટીમોએ સતત નવ માસ સુધી તમામ દિશાઓમાં તમામ એંગલોથી તપાસનો દોર શરૂ કર્યો હતો. દરમિયાન અગાઉ આરોપીના સંપર્કમાં આવેલ તે તમામ માણસોને તેમજ તેના આશ્રય સ્થાનોની તપાસ કરવામાં આવી હતી.
તેમ છતા આરોપી તેમજ ભોગ બનનારની કોઇ કડી મળેલ નહી અને બનાવનો નવ માસ જેટલો લાંબો સમયગાળો પણ થઈ ગયો હતો. જેથી પોલીસે ભુતકાળમાં આરોપીના સંપર્કમાં આવેલા ઇસમોની ઉપર સતત વોચ ગોઠવી દેવાઈ હતી. તે દરમ્યાન ટેકનિકલ સોર્સના માધ્યમથી બાતમી મળી હતી કે, આરોપી મહેસાણા જિલ્લાના સાંપાવાડા ખાતે રહે છે. જેનાં પગલે પોલીસની અલગ અલગ ટીમોએ સાંપાવાડા ગામમાં કેમ્પ નાખી તપાસ કરતા આરોપી તેમજ ભોગ બનનાર મળી આવ્યાં હતા.