ગુજરાત પ્રદેશ ભાજપની બૃહદ કારોબારી બેઠકનો સાળંગપુર ધામમાં ગુરુવારે પ્રારંભ થઇ ગયો છે. આ દરમિયાન અહીં પક્ષના સીનિયર નેતાઓથી લઇને તાલુકા સ્તરના આગેવાનો પહોંચી રહ્યા છે. પ્રથમ દિવસે જ અહીં ભેગાં થયેલા નેતાઓમાં નવા પ્રદેશ અધ્યક્ષને લઇને ગણગણાટ હતો અને તેમાં જો કોંગ્રેસી મૂળની વ્યક્તિને પ્રમુખ બનાવાશે તો ભવિષ્યમાં પાર્ટીમાં ભડકાં થશે તેવો ગણગણાટ સંભળાયો હતો. ભાજપના સીનિયર નેતાએ જણાવ્યું કે, પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલાં કેટલાંક પાયાના આગેવાનોએ આ ચિંતા મારી સમક્ષ વ્યક્ત કરી હતી. તેઓ પાર્ટીના કોંગ્રેસી કરણને લઇને વ્યથિત છે અને નજીકના ભવિષ્યમાં થનારાં મંત્રીમંડળના વિસ્તરણમાં પણ મૂળ કોંગ્રેસી નેતાઓને સમાવવાના હોવાથી પ્રદેશ અધ્યક્ષ તો મૂળ પાર્ટીની વિચારધારાના જ હોવા જોઇએ તેવો તેઓનો મત છે. આ નેતા જણાવે છે કે હજુ સુધી સાળંગપુરમાં એવો માહોલ દેખાતો નથી કે પ્રદેશ અધ્યક્ષ કે પ્રભારીની જાહેરાત થઇ જાય. હાલના તબક્કે ઘણી બધી અસમંજસ હોવાથી પાર્ટી હાઇ કમાન્ડ આ જાહેરાત કરવામાં હજુ સમય લેશે તેવું લાગી રહ્યું છે.
ઢોલ-નગારાં સાથે આવનારાં નેતાઓનું સ્વાગત પ્રથમ દિવસે કારોબારીમાં આવનારાં નેતાઓનું ઢોલ-નગારાંના નાદ સાથે ફૂલહાર પહેરાવી, તિલક લગાવી સ્વાગત કરાયું હતું. આ નેતાઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી આઇ-કાર્ડ બનાવડાવ્યાં હતાં.
પ્રમુખની જાહેરાત માટે અમાસનું મુહૂર્ત સારું ન ગણાય ભાજપના એક નેતાએ જણાવ્યું કે, હાલ નવા પ્રદેશ અધ્યક્ષ કે પ્રભારીની જાહેરાત ન થાય તે યોગ્ય રહેશે. હિન્દુ પંચાંગ અનુસાર પાંચ જુલાઇએ અમાસ હોવાથી આ દિવસ શુભ ન ગણાય. આ દિવસ આવે તો નવા પ્રમુખ આવે તો આગામી સમયમાં ઘણાં પડકારો આવી શકે છે.