હેમંત સોરેનનું મિશન વિધાનસભાની ચૂંટણી જીતવાનું છે. તેઓ શરૂઆતથી જ કેન્દ્રીય એજન્સીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવતા આવ્યા છે અને તેમની સામેની કાર્યવાહીને રાજનીતિથી પ્રેરિત ગણાવી છે. તેમને જામીન પર છોડવાનો કોર્ટનો નિર્ણય તેમને કેન્દ્રની BJP સરકારને નિશાન બનાવવાની તક પૂરી પાડવાનું કામ કરશે
૨૦૨૪ની લોકસભાની ચૂંટણીનાં અનપેક્ષિત પરિણામોની રાજ્યોની વિધાનસભાઓ પર શું અસર પડે છે એનો પહેલો પુરાવો છ રાજ્યોમાં જોવા મળશે.
આજથી ૧૨ મહિનાની અંદર હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, દિલ્હી અને બિહારમાં ચૂંટણીઓ થવા જઈ રહી છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત જમ્મુ અને કાશ્મીરમાં સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી યોજાવાની શક્યતા છે. આ ચૂંટણીઓમાં લોકસભામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિપક્ષી ગઠબંધન INDIA એનો ચમત્કાર દોહરાવે છે કે પછી BJP એની પોચી પડેલી જમીનને સરકી જતી રોકવામાં સફળ થશે એ નક્કી થશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને તો હજી ત્રણ વર્ષની વાર છે (૨૦૨૭), પરંતુ ગયા સપ્તાહે તડાકાભડાકાવાળા લોકસભાના પહેલા સત્રમાં વિરોધ પક્ષના નેતા અને કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ તેમના આભાર-પ્રવચનમાં સત્તાધારી BJPને ઉદ્દેશીને કહ્યું હતું કે ‘લિખ કે લે લો, INDIA આપકો ગુજરાત મેં હરાને જા રહા હૈ.’
ગુજરાતમાં શું થશે એ તો જુદો અને દૂરનો મુદ્દો છે, પણ INDIAનો આત્મવિશ્વાસ બુલંદ છે એમાં ના નહીં. લોકસભાના સત્રમાં વિપક્ષી સંસદસભ્યોએ સરકારને વિવિધ મુદ્દાઓ પર ઘેરવા માટે જે એકતા અને આક્રમકતા બતાવી હતી એના પરથી એટલું તો સ્પષ્ટ છે કે તેમને એ વિશ્વાસ આવી ગયો છે કે BJP અજેય નથી.
લોકસભાની ચૂંટણી પહેલાં BJPના કટ્ટર ટીકાકારો પણ એવું માનતા હતા કે BJPની વિજયકૂચ નબળી પડે એમ લાગતું નથી, પણ પરિણામોએ જુદું જ ચિત્ર રજૂ કર્યું છે. INDIAને સમજાઈ ગયું છે કે BJP એના શાસનના ટ્રૅક-રેકૉર્ડ પર નહીં પરંતુ વિરોધ પક્ષોને નબળા પાડીને, એમની વિરુદ્ધ કુપ્રચાર કરીને, ચારિત્ર્યહનન કરીને, એમના પર એજન્સીઓનો ઉપયોગ કરીને અને ચૂંટણી સમયે સામ, દામ, દંડ અને ભેદની રણનીતિ અપનાવીને એનો હાથ ઉપર રાખી રહી છે.
એટલે વિપક્ષોએ આ એમની એકતાને જાળવી રાખવા અને BJPને એની જ પિચ પર જઈને ઘેરવા માટેની રણનીતિ બનાવી છે. રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં આ જોવા મળશે અને એનો પહેલો પરિચય તેમણે લોકસભાના સત્રમાં આપી દીધો છે.
નવી લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પછી આભાર પ્રસ્તાવ પર ચર્ચા વખતે રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત બંધારણની નકલ સાથે કરી હતી, પરંતુ ભાષણની વચ્ચે તેમણે ભગવાન શિવનું ચિત્ર દર્શાવતી ટિપ્પણી કરી હતી કે શિવજી ન કોઈને ડરાવે છે કે ન તો કોઈનાથી ડરે છે. એને કારણે ગૃહમાં હોબાળો થયો હતો. BJPના સભ્યોએ રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કર્યો હતો.