લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 100 બેઠકની નજીક પહોંચી ગઈ અને ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી તેના કારણે રાહુલ ગાંધીનો આત્મવિશ્ર્વાસ અતિ બુલંદ છે. લોકસભામાં રાહુલનો આ આત્મવિશ્ર્વાસ જોવા મળ્યો ને લોકસભાની બહાર પણ દેખાઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ લોકસભામાં હિંદુઓ વિશે કરેલી કોમેન્ટના પગલે ગુજરાતમાં કોંગ્રેસ કાર્યાલયમાં હિંદુવાદી કાર્યકરોએ તોડફોડ કરેલી તેથી કોંગ્રેસના કાર્યકરોનો જુસ્સો વધારવા રાહુલ ગાંધી અમદાવાદમાં આવ્યા હતા.રાહુલે કોંગ્રેસ કાર્યાલયમાં ભાજપ અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા ને હુંકાર પણ કર્યો કે, ભાજપે આપણી ઓફિસ તોડી છે ને આપણે તેમની સરકારને તોડીને જવાબ આપીશું.
રાહુલે આ વાત દિલ્હીમાં પણ કરી હતી ને કહેલું કે, હવે અમે ગુજરાતમાં ભાજપને હરાવીશું.
આ જ વાત રાહુલે અમદાવાદમાં બીજા શબ્દોમાં કહી છે. ગુજરાતમાં અત્યારે ભાજપ મજબૂત છે તેનું કારણ નરેન્દ્ર મોદીની હિંદુવાદી ઈમેજ અને કોંગ્રેસની મુસ્લિમ પાર્ટી તરીકેની ઈમેજ છે. આ ઈમેજના કારણે ભાજપ ગુજરાતમાં સળંગ 26 વર્ષથી સત્તામાં છે. ભાજપ ગુજરાતમાં 29 વર્ષના શાસનનો દાવો કરે છે પણ તેનું સળંગ શાસન 26 વર્ષનું છે. ભાજપ ગુજરાતમાં 1995થી સળંગ સાત વાર વિધાનસભાની ચૂંટણી જીત્યો છે પણ શંકરસિંહ વાઘેલાએ ભાજપમાં ભંગાણ પાડીને બનાવેલા રાષ્ટ્રીય જનતા પાર્ટી (આરજેપી)ની સરકાર રચાઈ એ બે વર્ષ ભાજપના શાસનમાં બ્રેક આવી ગયેલો.ભાજપના શાસનમાં મોંઘવારી વધી છે, આર્થિક તકલીફો વધી છે એ હકીકત છે પણ ગુજરાતની પ્રજાએ એ વાતોને મહત્ત્વ આપ્યું નથી કેમ કે ગુજરાતીઓને મુસ્લિમોનો ડર લાગે છે. કોંગ્રેસ વરસો લગી સેક્યુલારિઝમનાં નામે મુસ્લિમ તુષ્ટિકરણ કરતી રહી તેથી મુસ્લિમ પાર્ટી તરીકે વગોવાઈ ગઈ. કોંગ્રેસે ગુજરાતીઓ તેના પર ભરોસો મૂકી શકે એવી સ્થિતિ પેદા કરવા માટે આ ઈમેજ બદલવી પડે. રાહુલ ગાંધી શિવની વાતો કરવા માંડ્યા છે એ જોતાં કોંગ્રેસની આ ઈમેજમાં ફેરફાર થઈ શકે છે.
ગુજરાતમાં હિંદુત્વ સૌથી મોટો મુદ્દો છે પણ આ મુદ્દો બાજુ પર મુકાઈ જાય તો પણ કોંગ્રેસ જીતી શકે છે. ભૂતકાળમાં એવું બન્યું છે ને એ પણ બહુ નજીકના ભૂતકાળમાં. ગુજરાતમાં 2015માં અનામત આંદોલન થયું ત્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતાં. પટેલોની અનામતની માગણીને કચડી નાખવા માટે આનંદીબેન પટેલ સરકારે સખ્તાઈ બતાવી તેમાં પટેલો ભડકી ગયેલા. આનંદીબેન પટેલની સરકારે હાર્દિક પટેલ સહિતના પટેલ અનામત આંદોલનના નેતાઓ સામે રાજદ્રોહનો કેસ ઠોકીને જેલમાં ધકેલી દીધા તેનો બદલો લેવા પાટીદારોએ 2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ કચકચાવીને મતદાન કરતાં કોંગ્રેસનો જયજયકાર થઈ ગયેલો. કોંગ્રેસે 31 જિલ્લા પંચાયતમાંથી 23 અને 230 તાલુકા પંચાયતમાંથી 169 કોંગ્રેસે જીતી હતી. કોંગ્રેસ એ વખતે જીતી નહોતી શકી પણ આવો આકસ્મિક મુદ્દો આવી જાય તો કોંગ્રેસ જીતી જાય એવું પણ બને. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજુ ત્રણ વર્ષની વાર છે એ જોતાં ગમે તે બની શકે.