કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા હિન્દુ ધર્મ પર સંસદમા કરાયેલી ટીપ્પણી બાદ અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટનામાં કોંગ્રેસ અને ભાજપ સહિત બજરંગદળના કાર્યકરો સામ સામે આવી ગયા હતાં. બંને પક્ષે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદમાં પોલિટિકલ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો છે.
પોલીસે કોંગ્રેસના 5 કાર્યકરોની ધરપકડ કરીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. હવે આ પાંચ જણાએ જામીન અરજી કરી છે. જેની સુનાવણી બુધવારે યોજાય તેવી શક્યતાઓ છે.
પોલીસે આ આરોપીઓના 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેમાં 3 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. જે રિમાન્ડ શનિવારે સાંજે 4 વાગે પૂર્ણ થયા હતા. પરંતુ પોલીસે આરોપીઓને શનિવારે સવારે વહેલા કોર્ટમાં રજૂ કર્યા હતાં જેથી કોર્ટે પોલીસને ખખડાવી પણ હતી. તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા. જેથી કરીને રાહુલ ગાંધી પોલીસ મથકે બંધ આરોપીઓને મળી શક્યા નહોતા અને તેમને જેલમાં મોકલી અપાયા હતા.
હવે આ આરોપીઓની જમીન અરજી તેમના એડવોકેટ ગુલાબખાન પઠાણ દ્વારા કોર્ટમાં ફાઈલ કરવામાં આવી છે. જેની ઉપર બુધવારે સુનાવણી હાથ ધરાશે. પાંચેય કાર્યકર્તા ઉપર ભારતીય ન્યાય સંહિતા ઉપર ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં બીજા કેટલા લોકો સંડોવાયેલા છે, વીડિયોના આધારે આરોપીઓની ઓળખાણ, પથ્થરમારા સંદર્ભે પહેલેથી કોઈ કાવતરું રચાયું હતું કે કેમ? વગેરે મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. આરોપીઓને જામીન મળે તેવી પૂરી શક્યતાઓ છે.