GMERS મેડિકલ કૉલેજમાં ફી વધારાનો ઠેર-ઠેર વિરોધ શરૂ થયો છે. ફી વધારા મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા છે.
શક્તિસિંહ ગોહિલે પ્રહાર કરતા કહ્યું કે, સરકારે મેડિકલ કૉલેજમાં 66થી 88% ફી વધારો કર્યો. સરકારના આ નિર્ણયથી ભવિષ્યમાં ખાનગી મેડિકલ કૉલેજો પણ ફીમાં વધારો માંગશે. જેથી સરકારે તાત્કાલિક ફી વધારાનો પરિપત્ર રદ કરવાની જરૂર છે.
વધુમાં શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, લોન લઈને અને દેવુ કરીને ડૉક્ટર બનનારો વ્યક્તિ ક્યારેય સમાજની સેવા નહીં કરે. આ પ્રકારના ડૉક્ટર દર્દીનું શોષણ કરશે. જેથી સરકારે પરિપત્ર રદ કરવાની જરૂર છે.
ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હેઠળની ગુજરાતની 13 મેડિકલ કોલેજોની ફીમાં 80 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે સરકારી ક્વોટાની સીટની ફી જે રૂપિયા ત્રણ લાખ,ત્રીસ હજાર હતી તેને વધારીને 5 લાખ 50 હજાર કરી દીધી છે.. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની સીટ માટેની ફી જે રૂપિયા 9 લાખ,75 હજાર હતી, તે વધારીને
રૂપિયા 17 લાખ કરી દીધી છે. NRI ક્વોટા માટેની ફી 22,000 ડોલર હતી જેને વધારીને 25,000 ડોલર કરવામાં આવી છે. ફીમાં આ વધારો આ શૈક્ષણિક સત્રથી જ લાગુ થશે.