ગાંધીનગરનાં ભાટ કોટેશ્વર ચોકડી નજીક ટોરેન્ટ પાવર પાસેથી ગઈકાલે રાત્રે જ્યુપિટર લઈને પસાર થતા વકીલનાં ગળામાંથી એક લાખની કિંમતની સોનાની મગમાળાની ચીલઝડપ કરી એક્ટિવા સવાર બે લૂંટારૃઓ નાસી ગયા હતા. જેઓનો પીછો કરતાં પાછળ બેઠેલા લૂંટારૃએ ચપ્પુ કાઢીને વકીલને બતાવ્યું હતું. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના કોટેશ્વર ગામ શ્રીઘર નેસ્ટ સોસાયટીમાં રહેતા વકીલ દિલીપભાઈ ભોળાભાઈ પટેલ અમદાવાદ શાહીબાગ ખાતે ઓફિસ ધરાવે છે. ગઈકાલે રાતના દિલીપભાઈ કામ અર્થે અમદાવાદ કૃષ્ણનગર ખાતે જવા માટે જયુપીટર ટુ વ્હીલર લઈને ઘરેથી નિકળ્યા હતા. તે દરમ્યાન ભાટ કોટેશ્વર ચોકડી નજીક ટોરેન્ટ પાવર પહેલા આવેલ ઢાળ નજીક આશરે સાડા નવ વાગ્યાના અરસામાં એક કાળા રંગના એકિટવા ઉપર બે અજાણ્યા ઇસમો એકદમ નજીક આવ્યા હતા. જે પૈકી પાછળ બેઠેલા ઈસમે એકદમ દિલીપભાઈના ગળામાં પહેરેલ સોનાની રૂદ્રાક્ષના મણકાની માળાની ચીલઝડપ કરી હતી. અને ગણતરીની સેંકડોમાં બંને જણા પૂરપાટ ઝડપે ભાટ કોટેશ્વર ચોકડી તરફ એક્ટિવા ઉપર ભાગ્યા હતા.
જેનાં પગલે દિલીપભાઈએ બુમાબુમ કરીને બંનેનો જ્યુપિટર ઉપર પીછો શરૂ કર્યો હતો. ત્યારે બંને ઈસમોએ મોઢે રૂમાલ બાંધેલ અને પાછળ બેસેલા ઈસમે વાદળી રંગની ટી શર્ટ પહેરી હોવાનું જોયું હતું. જેઓનો પીછો ચાલુ રાખતા બને ઈસમો ભાટ કોટેશ્વર ચોકડીથી એપોલો સર્કલ તરફ વળ્યા હતા. જ્યાં એક્ટિવાની પાછળ બેસેલા ઈસમે ચપ્પુ કાઢીને બતાવતા દિલીપભાઈ ગભરાઈ જઈને જ્યુપિટર ધીમું કરી દીધું હતું. બાદમાં બંને જણા રીંગ રોગ ઉપર નાસી ફરાર થઈ ગયા હતા. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.