મધ્યપ્રદેશમાં સત્તાધારી પક્ષ ભાજપના ગુનાના ધારાસભ્યનું એક આશ્ચર્યજનક અને વિચિત્ર નિવેદન સામે આવ્યું છે. ભાજપના ધારાસભ્ય પન્નાલાલ શાક્યએ પ્રધાનમંત્રી કોલેજ ઓફ એક્સેલન્સના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને કહ્યું છે કે, ‘કોલેજની ડિગ્રી તમને મદદ નહીં કરે, મોટરસાયકલ પંચરની દુકાન ખોલો જેથી તમે તમારી આજીવિકા રળી શકો.’ ઉલ્લેખનીય છે, મધ્યપ્રદેશના ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરે સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું.
ભાજપના ધારાસભ્ય પન્નાલાલ શાક્યએ કહ્યું કે હું જે પણ કહું તે વિજ્ઞાન અને ગણિતના ફોર્મ્યુલાના આધારે કહીશ, તો કૃપા કરીને સમજી લેજો. આ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ કમ્પ્રેસર હાઉસ નથી કે જેમાં ડિગ્રી પ્રમાણે હવા ભરી શકાય અને પ્રમાણપત્ર લઈને જતી રહે. વાસ્તવમાં, શૈક્ષણિક સંસ્થાઓ એવી હોવી જોઈએ કે, જીનકે ઢાઈ અક્ષર પઢે સો પંડિત હોય, પોથી પઢ-પઢ પંડિત ભયા ન કોય અર્થાત અર્થાત પોથીઓ વાંચી વાંચીને કોઈ પંડિત થવાતું નથી, તેના માટે તો પ્રેક્ટિલ સમજ હોવી જરૂરી છે.
એક નાલંદા યુનિવર્સિટી હતી. જે કોલેજમાં 18 હજાર વિદ્યાર્થીઓ અને 1200 શિક્ષક હતાં. 11 લોકોએ તે યુનવિર્સિટીને બાળીને ખાખ કરી હતી. બાદમાં 12 હજાર માત્ર વિચરતા જ રહ્યા કે, હવે તે શું કરશે, હિન્દુસ્તાનનું જ્ઞાન ખતમ થઈ ગયું. શું આપણે પણ એવુ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છીએ, એ જ પ્રશ્નાર્થ છે. સૌથી પહેલાં આપણે જળ, વાયુ, અગ્નિ, આકાશ અને ધરા આ પંચતત્ત્વોને બચાવવાની જરૂર છે, જેનાથી આપણું શરીર બન્યું છે. આજે પર્યાવરણ અંગે સમગ્ર ભારત ચિંતિત છે. પાણીની સમસ્યા જટિલ બની છે. પ્રદુષણ વધી રહ્યું છે. પરંતુ આપણે તેની ચિંતા કરવાના બદલે તેના ઉકેલ માટે કોઈ ફોર્મ્યુલા બનાવી રહ્યા નથી.
આજે આપણે પોકારી પોકારીને વૃક્ષો વાવવા અપીલ કરી રહ્યા છીએ. પરંતુ તેની જાળવણી ક્યાં સુધી કરીશું. બસ, શું આપણી આટલી જ ફરજ છે કે, વૃક્ષ વાવ્યું. તેના ઉછેર માટે કોઈ પ્રયાસ નહીં. નદી-નાળાઓ પર ગેરકાયદેસર કબજો થઈ રહ્યો છે. સરકારી જમીન પર અતિક્રમણ વધ્યું છે. ચારાની જમીન પણ છીનવાઈ રહી છે. શું આપણે આટલા ભૂખ્યા થઈ ગયા છીએ કે, આ સ્તરે આપણે પર્યાવરણની નુકસાન પહોંચાડી રહ્યા છીએ.
અંતે ધારાસભ્યએ કહ્યું કે આજે અમે પ્રધાન મંત્રી કોલેજ ફોર એક્સલેન્સનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. આપ સૌને મારી વિનંતી છે કે માત્ર એક જ વાક્ય સમજો કે, ‘આ કૉલેજની ડિગ્રીથી કંઈ થવાનું નથી. મોટરસાયકલ પંચરની દુકાન ખોલો, જેથી તમે ઓછામાં ઓછું તમારી આજીવિકા તો રળી શકશો. અને પર્યાવરણનુ રક્ષણ પણ થશે.