અમદાવાદના એસ.જી હાઇવે બે દિવસ અગાઉ રાતના સમયે એક વકીલની ગાડીને એક યુવતીની ગાડીની ટક્કર વાગી હતી. જેમાં વકીલની ગાડીને નુકસાન થયું હતું ત્યારબાદ યુવતીએ આગળ જઈને ગાડી ઉભી રાખી હતી ત્યારે બંને વચ્ચે રકઝક થઇ હતી. વકીલે યુવતી સામે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જ્યારે યુવતીની ફરિયાદ ન લેવામાં આવતા યુવતીએ પોલીસ અને વકીલ પર આક્ષેપ કર્યા છે.
યુવતીનો આક્ષેપ છે કે વકીલે યુવતી સાથે ખરાબ વર્તન કર્યું તથા લાફો માર્યો હતો. આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી તો પોલીસે ફરિયાદ ન નોધી અને કહ્યું કે રાતના સમયે બહાર ના નીકળવું જોઈએ તેવી સલાહ આપી હતી.
14 જુલાઈએ એસ.જી હાઇવે પર સર્વિસ રોડ પર પર સિદ્ધરાજસિંહ મકવાણા નામના વકીલ તેમના પત્ની અને દીકરી સાથે બલેનો ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે એક પુરપાટ ઝડપે આવી રહેલી ગાડી લઈને યુવતીએ વકીલની ગાડીને અથડાવી હતી ત્યારબાદ યુવતીએ ગાડી આગળ લઈ જઈને ઉભી રાખી હતી અને વકીલની ગાડી પણ ઊભી રખાવી હતી. વકીલે ગાડીમાંથી બહાર આવીને જોતા તેમની ગાડીને નુકસાન થયું હતું. અકસ્માત કરનાર યુવતી વકીલ સાથે બોલાચાલી કરવા લાગી હતી. જેથી વકીલે પોલીસને જાણ કરી હતી.વકીલે યુવતી સામે એસ.જી હાઇવે 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
યુવતીએ એક વીડિયો બનાવી આક્ષેપ કર્યો છે કે મારું નામ આયેશ ગેલેરીયા છે. મારી સાથે એક બનાવ બન્યો છે જેમાં એક વ્યકિતએ મારી ગાડીને અથડાવી આગળ જતાં હતાં ત્યારે મે તેમને રોક્યા હતા ત્યારે તે ભાઈ મને ગાળો આપવા લાગ્યા હતા જેથી મે ભાઈ અને પોલીસને ફોન કર્યો હતો. હું ગાડીમાં લોક કરીને બેઠી હતી ત્યારે તે વ્યકિતએ મારી ગાડીને જોરજોરથી ખખડાવવા લાગ્યા અને બહાર ઉતર કહેવા લાગ્યા હતા. આ વ્યક્તિ મારી સાથે અવ્યવહરિક શબ્દો બોલી રહ્યા હતા.
પોલીસ આવી ત્યારે મે પોલીસને જાણ કરી.આ ભાઈએ મને લાફો માર્યો છે અને ગાળો આપી છે તેવું કહ્યું હતું છતાં પોલીસે કોઈ પગલાં લીધા નહોતા જેથી હું સરખેજ પોલીસ સ્ટેશન ગઈ હતી ત્યાં મારી હકીકત જણાવી હતી.પોલીસ મારી વાત સાંભળવા તૈયાર નહોતા.મને 4 કલાક ત્યાં બેસાડવામાં આવી હતી અને સામેવાળાને અંગે બેસાડી ચા પાણી કરાવી એસી વાળા રૂમમાં બેસાડ્યા હતા.મારી વાત સાંભળવા પણ તૈયાર નહોતા. મારી FIR લેવામાં આવી નથી. હું વિનતી કરી રહી હતી ત્યારે પોલીસ વાળાએ કહ્યું કે અડધી રાતે બહાર ના નીકળો જો સેફ ના હોવ તો. માટે બસ ન્યાય જોઈએ છે.
આ અંગે M ડિવિઝન acp એ.બી વાળંદે જણાવ્યું હતું કે અકસ્માતની ફરિયાદ બાદ બંને વચ્ચે રકઝક થઈ હતી. જેથી બંને સરખેજ પોલીસ સ્ટેશન આવ્યા હતા. યુવતીએ પોતાના પરિચિત બોલાવ્યા હતા ત્યારબાદ વધુ રકઝક કરી હતી. યુવતીની અરજી લેવામાં આવી છે. યુવતી ફરિયાદ કરવા ઈચ્છે તો પણ પોલીસ ફરિયાદ લેવા તૈયાર છે. યુવતીની ફરિયાદના ડ્રાફ્ટ અંગે રજીસ્ટર છે જેમાં યુવતી સહી કરી નથી. યુવતી ફરિયાદ કરવા ઈચ્છે તો પોલીસ ફરિયાદ નોંધાશે.