ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસે હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા 9 દિવસમાં 12 બાળકો આ વાઈરસથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. એમાં 10 બાળકોનાં મોત થઈ ચૂક્યાં છે. સંક્રમણ વધવાના કારણે દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ગત 16 જુલાઈ, 2024 સુધીમાં ચાંદીપુરા વાઇરસથી 8 બાળકનાં અને આજે એટલે કે 17 જુલાઈએ ગોધરા, ગાંધીનગર અને મહેસાણાનાં બાળકનાં મોત થતાં રાજ્યનો મૃત્યુઆંક 11 થયો છે તેમજ અત્યારસુધીમાં 14 શંકાસ્પદ કેસ આવી ચૂક્યા છે. જ્યારે રાજસ્થાનના બે કેસ છે અને એમાથી 1 બાળકનું મોત થયું છે અને મધ્યપ્રદેશનું બાળક સ્ટેબલ છે.
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસનો પગ પેસારો થયો છે. આજે(17 જુલાઈ, 2024) ગાંધીનગરના ભાટ ટોલ ટેક્સ પાસેના છાપરા વાસમાં 15 મહિનાની બાળકી શંકાસ્પદ વાઇરસની ઝપેટમાં આવી હતી, જેનું સારવાર દરમિયાન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે તેમજ બાળકીનાં સેમ્પલ પુણે મોકલી આપવામાં આવ્યાં છે.
આજે ગોધરાની 4 વર્ષની બાળકીએ વડોદરા SSG હોસ્પિટલમાં દમ તોડ્યો, જ્યારે મહેસાણાના 1 વર્ષના બાળકે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અમદાવાદ સિવિલમાં હાલ 6 બાળકો સારવાર હેઠળ છે, જેમાં બે બાળક અમદાવાદનાં ચાંદલોડિયા અને આંબાવાડીનાં, જ્યારે ચાર અન્ય જિલ્લાનાં છે. ગતરોજ પુણેથી આવેલા રિપોર્ટમાં મોડાસાની એક બાળકીનો ચાંદીપુરા વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેનું મોત આ વાઇરસથી થયું હોવાનું કન્ફર્મ થયું હતું. જોકે ચારમાંથી ત્રણ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ત્યારે બાકીનાં બાળકોનો રિપોર્ટ પણ પુણે મોકલવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.
સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર, વડોદરાની સર
સયાજી રાવ જનરલ(SSG) હોસ્પિટલમાં આવેલા
બાળરોગ વિભાગમાં છેલ્લા 15 દિવસમાં બાળરોગ
વિભાગમાં કેટલાક કેસો સામે આવ્યા છે, જેમાંથી
અત્યારસુધીમાં 7 સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યાં
છે. આ તમામ શંકાસ્પદ છે. હાલમાં ચાર દર્દી સારવાર હેઠળ
છે, જેમાંથી બે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે, જ્યારે 2
બાળક આઈસીયુમાં સારવાર હેઠળ છે. આ કેસોમાં ઝાડા,
ઊલટી, ખેંચ અને તાવ આવવો, બેભાન અવસ્થામાં આવેલા
દર્દીઓનાં સેમ્પલ મોકલવામાં આવ્યાં છે. આ કેસોમાં
ચાંદીપુરા વાઇરસ છે કે કેમ એ સેમ્પલ રિપોર્ટ બાદ ખબર
પડશે. આ સારવાર દરમિયાન બે દર્દીનાં મોત થયાં છે, પરંતુ
આ મોત ચાંદીપુરા વાઇરસથી થયાં છે એમ કહી ન શકાય
તેમજ જે સેમ્પલ મોકલ્યા હતા એના રિપોર્ટ આવ્યા નથી.
આ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ ખબર પડે કે આ વાઇરસથી
મૃત્યુ થયાં છે કે નહીં.
હાલમાં ચોમાસાની સિઝનમાં ગુજરાત સહિત જિલ્લાભરમાં કોલેરા અને ઝાડા-ઊલટીના કેસ વધી રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા કોટડા ગામે એક ચાર વર્ષથી બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસ મળી આવતાં આરોગ્યતંત્રમાં હરકતમાં આવી ગયું હતું અને વિવિધ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારે ગોધરા તાલુકાના કોટડા ગામે એક ચાર વર્ષની બાળકીને તાવ ઝાડા, ઊલટી અને ખેંચ આવતાં તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.