યુપીના ગોંડામાં એક ટ્રેન અકસ્માત થયો છે. ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસના 3 એસી સહિત 15 બોગી પાટા પરથી ઉતરી ગઈ છે. જેમાંથી 3 પલટી ગયા છે. આ અકસ્માતમાં 5 મુસાફરોના મોત થયા છે. જ્યારે 25 મુસાફરો ઘાયલ થયા છે. 2 મુસાફરોના પગ કપાઈ ગયા છે. ઘાયલ થયેલા મોટાભાગના મુસાફરો એસી કોચમાં હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ મુસાફરોએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.
દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. ટ્રેન ((15904)) ચંદીગઢથી ડિબ્રુગઢ જઈ રહી હતી. આ અકસ્માત ઝિલાહી રેલ્વે સ્ટેશનની વચ્ચે ગોસાઈ દિહવા ખાતે થયો હતો. અયોધ્યાથી તેનું અંતર 30 કિમી છે, જ્યારે લખનઉથી 130 કિમી છે.
ગુરુવારે આ ટ્રેન ચંદીગઢથી 11.39 કલાકે રવાના થઈ હતી. તે ગુરુવારે બપોરે ઝિલાહી સ્ટેશન નજીક પલટી ગઈ હતી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે કહ્યું- ગોંડાથી 20 કિમી દૂર બપોરે લગભગ 2.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. માનકાપુર સ્ટેશન અહીંથી 5 કિમી દૂર છે.