આમ તો ગુજરાતમાંથી વિદેશમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓની વિદેશ ભણી દોડ જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસને લઈને ઉલ્ટી ગંગા જોવા મળી છે. રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ માટેના અચ્છે દિન જોવા મળ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓનો અભ્યાસ માટેનો ઘસારો પાંચસો ટકા જોવા મળ્યો છે.આ વખતે રેકોર્ડ બ્રેક 6 હજાર જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ માટે રસ દાખવ્યો છે.
સામાન્ય રીતે ગુજરાતમાંથી વિદેશમાં અભ્યાસ કરવા જવા માટે વિદ્યાર્થીઓને ઘસારો વધારે રહેતો હોય છે. પરંતુ આ વખતે વિદેશથી ગુજરાતમાં અભ્યાસ કરવા માટેનો ઉત્સાહ વિદેશી વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો છે. રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટીમાં આ વર્ષે અભ્યાસ માટે વિદેશી વિદ્યાર્થીઓની 6000થી પણ વધુ અરજીઓ આવી હતી. જેમાંથી અંદાજે 3000 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન કન્ફર્મ થયા છે.
દર વર્ષે સામાન્ય રીતે 300થી 400 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે એડમિશન લેતા હોય છે પરંતુ આ વખતે રેકોર્ડ બ્રેક 2500 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટી અભ્યાસ માટે નોંધાય તેવું લાગી રહ્યું છે.
આ અંગે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નિરજા ગુપ્તા જણાવે છે કે, આ વખતે સૌથી વધુ અરજીઓ વિદેશી વિદ્યાર્થીઓની અંદાજે 6 હજાર અરજીઓ આવી છે. જેમાંથી 3 હજાર એડમિશન કન્ફર્મ થયા છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે એ ત્રણ હજારમાંથી 2 હજારથી 2500 જેટલા વિદ્યાર્થીઓ એડમિશન લેશે. આમ કુલ પાછળના અને આ વર્ષના ગણીએ તો વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 3 હજાર સુધી જાય તેવું લાગી રહ્યું છે.
ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ માટે જે વિદેશી વિદ્યાર્થીઓની અરજીઓ આવી છે તેમાં મોટા ભાગે આફ્રિકન દેશ, એશિયન દેશો, સાર્ક દેશો તેમજ આપણા પાડોશી દેશો બાંગ્લાદેશ અને નેપાળના વિદ્યાર્થીઓ વધારે છે. આ વખતે સ્પેશિયલી સ્પેનથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવ્યા છે. અંદાજે 65 જેટલા દેશોમાંથી ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓની અરજીઓ આવી હતી. સૌથી વધુ બાંગ્લાદેશ અને આફ્રિકન દેશોમાંથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે એડમિશન કન્ફર્મ થયા છે. ભુતકાળના અનુભવો આમ તો વિદ્યાર્થીઓના સારા છે અમારા પણ અનુભવો સારા છે તેના કારણે જ આ વખતે વધુ એપ્લિકેશ આવી છે.
વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને કોઈ ચેલેન્જીસ નથી. આ વખતે અમે સાવધાની એ રાખીશું કે વિદેશી વિદ્યાર્થીઓ સાથે ઓરિએન્ટેશન અને વાર્તાલાપ થતો રહેશે. જેથી કરીને કોઈ મુશ્કેલી ન પડે. અફઘાન વિદ્યાર્થીઓની વાત કરીએ તો ગવર્મેન્ટની પોલીસીના કારણે ઘણા વર્ષોથી અફઘાની વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવતા નથી. ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા તમામ કોર્સોમાં અભ્યાસ કરવા માટે વિદેશના વિદ્યાર્થીઓએ રસ દાખવ્યો છે.