નાના બાળકોને ભગવાનનું સ્વરૂૂપ માનવામાં આવે છે પરંતુ ઘણી એવી ઘટના સામે આવતી હોય છે જેમાં નિષ્ઠુર જનેતા દ્વારા નવજાત બાળકોને ત્યજી દેવામાં આવતા હોય છે ત્યારે રાજકોટમાં પણ આવી ઘટના સામે આવી છે.જેમાં જુના મોરબી રોડ પર વંડામાં કોઈ વ્યક્તિએ નવજાત બાળકને પ્લાસ્ટિકની બેગમાં ફેંકી ભાગી જતા 108ની ટીમે બાળક ને ઝનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયું છે.ત્યારે હવે બી ડિવિઝન પોલીસે બાળકને ત્યજી દેનાર અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધવા તજવીજ શરૂૂ કરી છે.
મળતી વિગતો અનુસાર,રાજકોટ ના મોરબી રોડ જકાત નાકા અક્ષર પાર્ક સોસાયટી શેરી નં.1માં ખુલ્લા પ્લોટમાં રાત્રીના સાડા બારેક વાગ્યે એક બાળકને રડવાનો અવાજ આવતા ત્યાં રહેતા જાગૃત નાગરિક ચિરાગભાઈએ આસપાસના લોકોને જગાડી તપાસ કરી અને બાદમાં 108 ને જાણ કરી હતી ત્યારબાદ 108 સેવામાં જાણ કરતાં ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી 108 સેવા ફરજ ઉપરના ઇએમટી ભાવેશભાઈ વાઢેર અને પાઇલોટ ઘનશ્યામ ડાંગર ઘટનાસ્થળે જવા માટે નીકળ્યા અને ત્યાં પહોંચી 108 સેવાની ટીમ દ્વારા નજીક ના બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી અને પોલીસ પણ બોલવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં આજુ બાજુના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતાં અને લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.108 ટીમ દ્વારા નવજાત શિશુને તપાસ કરતા જાણવા મળ્યું કે નવજાત બાળક છે.વધુ તપાસ કરતા જાણ્યું કે,નવજાત શિશુ ને હાથના ભાગ માં ઈજા પહોંચી હતી અને બાળક ખુલ્લા વાતવરણમાં હોવાથી તેવો સંપૂર્ણ સ્વસ્થ ન હતો એટલે 108ની ટીમ દ્વારા અમદાવાદ ખાતે તજજ્ઞો ડોક્ટરની સાથે ટેલિફોનીક વાતચીત કરી નવજાત શિશુને સારવાર ચાલુ કરી હતી.આ બાળકનો જન્મ તરછોડાયાના બે ત્રણ કલાક પહેલા જ થયો હતો.
હાલ નવજાતને રાજકોટ જનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે અને ફરજ પરના ડોક્ટર નવજાત શિશુને વધારાની સારવાર અર્થે આઇસીયુમાં રાખ્યું છે અને નવજાત શિશુની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયુ હતું.તેમજ બાળકને ત્યજી દેનાર અજાણી વ્યક્તિ સામે બી ડિવિઝનમાં ગુનો નોંધાયો છે.તબીબી તપાસમાં જાણવા મળ્યું હતું કે,જે નવજાતને પ્લાસ્ટિકની બેગમાં નાખી ફેંકતા બંને હાથમાં અને જમણા પગના હાડકામાં ફ્રેક્ચર જોવા મળ્યું હતું તેમજ ગળા ઉપર થોડા સ્કેચમાર્ક છે.બાળકને ફેંકતા તેમને આ ગંભીર ઇજા પહોંચી હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.