રાજકોટમાં પરિણીતાએ સગા બનેવીનું ઘર માંડી લીધા બાદ આંગળીયાત 9 વર્ષની પુત્રીએ ભૂલથી કોઈકને ફોન લગાડી દેતા માતા અને સાવકા પિતાએ બાળકીને માર માર્યો હતો. માતા અને સાવકા પિતાના સિતમથી ઘરેથી નીકળી ગયેલી રસ્તે રઝળતી 9 વર્ષની બાળકીને ટીમ અભયમે હેમખેમ તેના પિતા પાસે પહોંચાડી કાબિલેદાદ કામગીરી કરી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા વિસ્તારમાં એક 9 વર્ષની બાળકી વાલી વારસ વિના એકલી રસ્તે રઝળતી હોવાની એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ કરી બાળકીની મદદ માટે જાણ કરી હતી.
જાણ થતાં જ આજીડેમ લોકેશનના 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમના કાઉન્સિલર રૂૂચિતા મકવાણા અને પાયલોટ ભૌતિકભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ગભરાયેલી બાળકીને આશ્વાસન આપી કાઉન્સિલિંગ કરતા બાળકીએ તેના સાવકા પિતાના ફોનમાંથી કોઈકને ફોન લગાડી દીધો હોવાથી તેની માતા અને સાવકા પિતાએ માર માર્યો હતો. માતા અને સાવકા પિતાના ત્રાસથી કંટાળી બાળકી ઘરેથી નીકળી ગઈ હતી. અને બિહાર રહેતા તેના ભાઈ પાસે જવું છે તેવું જણાવ્યું હતું. વધુ પૂછપરછ કરતા તેના પિતા કોઠારીયા વિસ્તારમાં રહેતા હોવાનું બાળકીએ જણાવતા 181 મહિલા હેલ્પલાઈનની ટીમ બાળકીએ આપેલા સરનામે પહોંચી હતી. ત્યાં હાજર લોકોની પૂછપરછ કરતા બાળકીના પિતા મળી આવ્યા હતા. મળી આવેલી બાળકીના પિતાનું કાઉન્સેલિંગ કરતા તેની પત્નીને તેના બનેવી સાથે આંખ મળી જતા પત્ની બાળકીને લઈને એક વર્ષ પેહલા તેના બનેવીના ઘરે ચાલી ગઇ હતી. અને સગા બનેવીનું ઘર માંડી લીધું હતું.
માતા અને સાવકા પિતા બાળકીને અભ્યાસ કરાવતા ન હતા તેમજ જરૂૂરી ડોક્યુમેન્ટ પણ કઢાવી આપતા ન હતા. અને બાળકીને બિહારમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા મોટા ભાઈ સાથે અભ્યાસ કરવા માટે જવું હોય અને હવે પિતા પાસે જ રહેવું હોવાનું જણાવ્યુ હતું અને બાળકીને સાથે રાખવા અને અભ્યાસ કરાવવાની તેના પિતાએ સહમતી આપતા પિતા-પુત્રીને પોલીસ સ્ટેશને લઈ જઈ પોલીસની હાજરીમાં બાળકીનો કબજો તેના પિતાને સોંપ્યો હતો. રસ્તે રઝળતી બાળકીને હેમખેમ મિલન કરાવનાર ટીમ અભયમનો બાળકીના પિતાએ આભાર વ્યક્ત કર્યો હતો