ગાંધીનગરનાં રાયસણ પી. ડી.પી.યુ. રોડ પર નવીન બનતી ફ્લેટની સ્કીમ ખાતેથી ગણતરીની મિનિટોમાં રૂ. 1 લાખ 90 હજારની કિંમતના કેબલ વાયરોનાં બંડલ ચોરીને ફરાર થઈ જનાર ચોરને અઢી લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ઈન્ફોસિટી પોલીસે 48 કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના કલ્પેશભાઈ નરસિંહભાઈ પટેલ છેલ્લા બે વર્ષથી પી.ડી.પી.યુ. રોડ રાયસણ ખાતે સ્વસ્તિક શોપાન-1 નવીન બનતી ફ્લેટની સ્કીમમાં ઈલેક્ટ્રીક ફીટીંગનો માલ સામાન સાથે કોન્ટ્રાક્ટ રાખી કામકાજ કરે છે. ગત તા. 15 મી જુલાઈના રોજ સવારના દસેક વાગે કલ્પેશભાઈ અને તેમની સાથે કામ કરતા રોનક પટેલ તથા રચિત પટેલ તથા અન્ય મજુરો ઈલેકટ્રીક ફીટીંગનું કામ કરવા માટે ફ્લેટની સાઈટ ખાતે આવીને કામ ચાલુ કર્યું હતું.
એ વખતે તેમણે ઈલેક્ટ્રીકનો સામાન સ્વસ્તિક શોપાન-1 ની દુકાન નં.16 આગળ મૂક્યો હતો. ત્યારે બપોરના સમયે વરસાદ પડતાં બધા ઉપરના માળે જતાં રહ્યાં હતાં. અને દોઢેક વાગે બધા નીચે જમવા માટે આવ્યા હતા. અને જોયેલ તો દુકાન આગળ રાખેલ આરઆર કંપનીના એફઆરએલએસએચ મોડલના 4 એમ.એમ. ના 20 નંગ બંડલ કી રૂ. 1.80 લાખ અને 1 એમ.એમ. ના 4 બંડલ મળીને કુલ રૂ. 1.90 લાખના કેબલ બંડલ ચોરાઈ ગયા હતા.
આ મામલે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં ઇન્સ્પેકટર પી આર ચૌધરીની સર્વેલન્સ સ્કવોર્ડના પીએસઆઇ વી જી પરમાર સહીતની ટીમે બનાવ વાળી જગ્યાની વિઝિટ કરી આસપાસ વિસ્તારનાં સીસીટીવી ફૂટેજ ચેક કરી તપાસ આદરી હતી. દરમ્યાન મળેલી બાતમીના આધારે ઉદયસિંગ કાળુસિંગ રાજપૂત (રહે. છારાનગર, કાળી ગામ, ન્યુ રાણીપ) ને એક્ટિવા અને ચોરીના કેબલ વાયરો મળીને કુલ રૂ. 2.50 લાખના મુદામાલ સાથે ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.