ગાંધીનગર મેરીટાઇમ બોર્ડના કાર્યપાલક ઈજનેરનાં પત્નીને મહિલા સહીતની ચાર જણાની ગેંગે પગની અસહ્ય પીડાથી મુક્તિ અપાવી દેવાનો વિશ્વાસ કેળવી રૂ. 12 લાખ 60 હજારનો ચૂનો લગાવવામાં આવ્યો હોવાની ફરીયાદ ઈન્ફોસિટી પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પગના દર્દથી છુટકારો અપાવવાનો કારસો રચી યુનાની પધ્ધતિથી વૃદ્ધાનાં પગની વાઢકાપ પણ કરી દેવાઈ હતી.
ગાંધીનગરના રાંદેસણ મારૂતી મેઘનમમાં રહેતા 51 વર્ષીય જાગૃતીબેનના પતિ અવિનાશ પટેલના ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં કાર્યપાલક ઇજનેર તરીકે નોકરી કરે છે. ગત તા. 10 ડિસેમ્બર 2023 ના રોજ દંપતી અને તેમનો દીકરો વતન નવસારીથી પરત ગાંધીનગર આવી રહ્યા હતા. ત્યારે રસ્તામા બરોડા એક્સપ્રેસ હાઇવે પર આજવા ચોકડી નજીક જય અંબે હોટલ ઉપર ચા-પાણી કરવા ઉભા રહ્યા હતા.
એ વખતે ગાડીમાંથી નીચે ઉતરતી વેળાએ જાગૃતિબેનને બંને પગે ચાલવાની તકલીફ પડી રહી હતી. દરમિયાન એક વ્યક્તિએ પોતાની ઓળખાણ રાજીવ મહેતા તરીકે આપીને પગની તકલીફ વિશે પૃચ્છા કરી હતી. આથી જાગૃતિબેને ઘણા સમયથી પગનો દુખાવો હોવાની વાત કરતા રાજીવ મહેતા નામના શખ્સે પોતાની માતાને પણ આવી જ તકલીફ હોવાનું જણાવી એક વર્સી નામના વ્યક્તિએ સારવાર કરતા મટી ગયાનો દાવો કર્યો હતો.
બાદમાં તેણે પોતાની માતાનો નંબર પણ જાગૃતિબેનને આપ્યો હતો. આથી જાગૃતિબેને ફોન કરતા આનંદી મહેતા નામની મહિલા સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. જેણે સુરતનાં વર્સી નામના વ્યક્તિ પાસે ટ્રીટમેન્ટ કરાવ્યા પછી પગની પીડાથી મુક્તિ મળી ગઈ હોવાનો દાવો કરી એક નંબર આપ્યો હતો. એટલે જાગૃતિબેને વર્સી નામના શખ્સે વાવોલમાં દર્દીને તપાસવા આવતો હોવાનું કહી તેમના 12 ડિસેમ્બરે ઘરે ગયો હતો.
જ્યાં પગે તકલીફ હોવાનું કહીને યુનાની પધ્ધતિથી સારવાર કરી આપવાનુ જણાવી તેણે જાગૃતિબેનના મારા ડાબા પગે સામાન્ય કાપો મુકી તેની પાસેની કોઈ વસ્તુ સાથે લગાડી પાઇપ વડે પગમાંથી પરૂ તથા અન્ય ખરાબ ભાગ બહાર કાઢ્યો હતો. આ સારવારના એક વખતના રૂ. 6 હજાર લેખે કુલ રૂ. 2 લાખ રોકડા અને રૂ. 1 લાખ UPIથી જાગૃતિબેને ચૂકવી પણ દીધા હતા.
ત્યારબાદ થોડીવાર માટે જાગૃતિબેનને પગે રાહત લાગી હતી. એટલે તેણે કહેલ કે ધીરે ધીરે મટી જશે બીજા પગનો પણ ખરાબી કાઢ્યા બાદ સંપુર્ણ સારૂ થઇ જશે તેવો વિશ્વાસ આપ્યો હતો. બાદમાં વર્સી નામના શખ્સનાં કહેવા મુજબ તા. 4/1/2024 ના રોજ દવા મંગાવતા રાહુલ જૈન નામના ઈસમે 60 હજાર ટ્રાન્ફર કરાવ્યા હતા. અને 5 મી જાન્યુઆરીએ ફરીવાર ઘરે જઈને વર્સી નામનો શખ્સે જાગૃતિબેનના બીજા પગની પણ એજ રીતે વાઢકાપ કરી રૂ. 9 લાખ લઈ લીધા હતા. જે પછી પણ પગની પીડાથી છુટકારો મળ્યો ન હતો. અને બધાના નંબર બંધ થઈ ગયા હતા. ત્યારે જઈને જાગૃતિબેનને છેતરપિંડી થયાનો અહેસાસ થતાં ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરાવી છે.