ભચાઉના ચકચારી હત્યાના પ્રયાસના કેસમાં સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ ફરાર થઇ ગયા હતા. જો કે, ગુજરાત એટીએસના હાથે નીતા ચૌધરી સુરેન્દ્રનગરના લીમડી પાસેથી ઝડપાઇ ગઇ હતી. ત્યારે લેડી કોન્સ્ટેબલ નીતાએ સેશન્સ કોર્ટના જામીન રદ કરવાના હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો હતો, જેની સુનાવણી કરતાં જજ નિર્ઝર દેસાઇએ કહ્યું હતું કે, અરજદારના જામીન રદ કર્યા છે તે બરોબર નિર્ણય કર્યો છે.
જો આ અરજી પરત લેવામાં નહીં આવે તો અરજદારને કોર્ટ રૂા. 5 લાખથી વધુનો દંડ કરશે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, અરજદાર પર ગંભીર આરોપ છે. તે જીવનમાં શું કરે છે તે કોર્ટને જણાવો.
જો અરજદાર નિર્દોષ હતા તો ભાગી કેમ ગયા ? અરજદાર પોલીસ થઇને બુટલેગરને સેફ પેસેજ આપતા હતા. નીતા ચૌધરીના વકીલે એવી દલીલ કરી હતી કે તે પોતે સીઆઇડી ક્રાઇમમાં હોવાથી સિનિયર ઓફિસરોએ આપેલાં કામની તપાસ કરતી હતી. આ મુદ્દે કોર્ટે કહ્યું હતું કે, તેઓ જે કહી રહ્યા છે તે તેમના રેકોર્ડનો ભાગ છે કે પછી કોર્ટેને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
અરજદારે કહ્યું કે, આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી ન હતી. તેમના પાવરનો ઉપયોગ કર્યો નથી. જામીન મળ્યા તેનો પણ દુરુપયોગ કર્યો નથી, પરંતુ કોર્ટે કહ્યું હતું કે, તમે પોલીસમાં હોવા છતાં બુટલેગરની મદદ કરી હતી. પોલીસની ગાડીને ટક્કર મારીને પોલીસના કર્મચારીઓને મારી નાખવાની કોશિશ કરી હતી.
ગુનેગારને રોકીને પણ પોલીસની મદદ કરી શકાતી હતી. નોંધનીય છે કે, ગત 30 જૂનના પૂર્વ ઘટના દારૂના સૌથી મોટા બુટલેગર યુવરાજાસિંહ જાડેજા સાથે પૂર્વ કચ્છ સીઆઇડીની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી દારૂ સાથે થાર કારમાં ઝડપાઈ ગઈ હતી. દારૂ લઈને આવતી વખતે રોકવાનો પ્રયાસ કરનાર ભચાઉના પીએસઆઈ પર નંબર પ્લેટ વગરની પોતાની થાર ગાડી ચડાવી દઈ હત્યા કરવાની પણ કોશિશ કરી હતી. જે કેસમાં અનેક ઉતાર-ચડાવ આવ્યા બાદ આખરે સેશન્સ કોર્ટ દ્વારા તેના જામીન નકારી દેવામાં આવ્યા હતા અને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
આ પછી તમામ રીતે અનુભવી એવી નીતા ચૌધરી કચ્છની પોલીસને થાપ આપી ભૂગર્ભમાં ઊતરી ગઈ હતી. કચ્છ અને રેન્જ પોલીસને સફળતા મળતી નહોતી ત્યારે ગુજરાત એટીએસ જેવી એજન્સીને બાતમી મળી હતી કે, બુટલેગર યુવરાજાસિંહ જાડેજાના સાસરિયાના અમુક સંબંધી લીમડી નજીકના ગામમાં રહે છે જ્યાં આ નીતા ચૌધરીએ આશરો લીધો છે. એટીએસની ટીમ દ્વારા ગત મંગળવારે દરોડો પાડી અને નીતા ચૌધરીને ઝડપી પાડી હતી. નીતા ચૌધરીને કચ્છ પોલીસના હવાલે કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, નીતા ચૌધરીએ આરોપી અને બુટલેગર એવા યુવરાજાસિંહને બચાવવા માટે અનેક પ્રયત્નો કર્યા છે અને પોતાનાં નિવેદનમાં પણ દારૂ પોતે જ લાવી હોવાનું કબૂલ્યું છે. પૂર્વ કચ્છનો સૌથી મોટો દારૂનો બુટલેગર યુવરાજાસિંહ છે. યુવરાજાસિંહે નિવેદનમાં એવું પણ જણાવ્યું હતું કે છ મહિના પહેલા ઓનલાઇન નીતા સાથે તેની ઓળખાણ થઈ હતી અને બાદમાં તેમનાથી મિત્રતા થઈ હતી, પરંતુ તેમની મિત્રતા કેટલી ઘનિષ્ઠ છે તે એટીએસના દરોડા બાદ યુવરાજાસિંહના સગા-વ્હાલાનાં ઘરમાંથી નીતા ચૌધરી મળી આવતાં સ્પષ્ટ થઈ ગયું છે.