આજે મેઘરાજા આખા રાજ્ય પર વરસી રહ્યા છે. ત્યારે આજે મઘ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ સટાસટી બોલાવી રહ્યો છે. ત્યારે આજે સવારે આણંદના બોરસદમાં બે કલાકમાં આઠ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે 6 કલાકમાં 13 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે જ્યાં નજર ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યુ છે.હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે સવારે ચાર કલાકમાં (6થી 10 વાગ્યા) 157 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
જેમાં ભરૂચમાં 6 ઇંચ કરતા વધારે વરસાદ થયો છે. આ ઉપરાંત આણંદના બોરસદમાં તો બે કલાકમાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે 10થી 12 વાગ્યા સુધીના વરસાદી આંકડા પ્રમાણે, 96 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ બે કલાકમાં આણંદના બોરસદમાં સૌથી વધુ 8.32 ઇંચ વરસાદ નોંધાયો છે.
ચાર કલાકમાં વરસાદના આંકડા પ્રમાણે, ભરૂચ, બોરસદ, અંકલેશ્વર, હાંસોટ, ઝઘડિયામાં ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
આણંદના બોરસદમાં મેઘરાજાની સાત દિવસ બાદ ધમાકેદાર રિએન્ટ્રી થઇ છે. વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. બોરસદના જનતા બજાર સ્ટેશન રોડ, શંકર પાર્ક ચોકડી, વહેરા કાવીઠા સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગરના જોડિયા, વાલિયા, માંગરોલ,નાંદોદ, તિલકવાડામાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.
આજે 10થી 12 વાગ્યા સુધીમાં કુલ 96 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ બે કલાકમાં આણંદના બોરસદમાં 8.32 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ સાથે નર્મદાના તિલકવાડામાં 3.4 ઇંચ, નસવાડીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરાના પાદરા, ભરૂચના વાગરા અને વાધોડિયામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે,આજે બુધવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંગર, જુનાગઢ, દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં જિલ્લામાં તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. જેમાં અતિભારે વરસાદ થઈ શકે છે.
આ સાથે આજે પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવી છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ગાજવીજ થઈ શકે છે.