ગાંધીનગરમાં IAS રણજીત કુમારની પત્ની સૂર્યા કુમારીના આપઘાત કેસમાં નવું નવું બહાર આવી રહ્યું છે. હવે રણજીત કુમારના વકીલ હિતેષ ગુપ્તાએ આ કેસમાં કેટલીક વધુ વિગતો જાહેર કરી છે. તેમણે કહ્યું કે સૂર્યા કુમારી મદુરાઇ અપહરણ અને કરોડની ખંડણીના કેસમાં ગેંગસ્ટર સાથે સંડોવાયેલા હતા, રણજીત કુમારે છૂટાછેડા લેવાના હતા બરાબર ત્યારે તેઓ મદુરાઈથી ગાંધીનગર આવ્યા હતા પરંતુ તે સમયે રણજીત કુમાર ઘેર નહોતા અને સ્ટાફને સૂચના આપતાં ગયા હતા કે સૂર્યા આવે તો તેને ઘરમાં ઘુસવા ન દેતાં.આ પછી સૂર્યાએ કોઈક જગ્યાએ જઈ આત્મહત્યા કરી દીધી હતી.
વકીલ હિતેશ ગુપ્તાએ કહ્યું કે છેલ્લા 8 મહિનાથી સૂર્યા કુમારી રણજીત કુમાર સાથે રહેતા ન હતા. ખંડણીના ગુનામાં મદુરાઈ પોલીસથી બચવા સૂર્યા કુમારી પતિના ઘરે સંતાવા માટે ગાંધીનગર આવ્યાં હતા. જાણ થઈ જતાં પોલીસ તેમની ધરપકડ કરવા રણજીત કુમારના બંગલે આવ્યાં હતા પરંતુ તેટલામાં સૂર્યા ભાગી નીકળ્યાં હતા અને કોઈક સ્થળે જઈને ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
હિતેશ ગુપ્તાએ એવું પણ કહ્યું કે રણજીત કુમાર જે દિવસે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરવાના હતા તે જ દિવસે આ ઘટના બની હતી. રણજીત કુમારે સૂર્યાની ડેડબોડી સ્વીકારવાનો પણ ઈન્કાર કર્યો છે.
ગુજરાતમાં સિનિયર આઈએએસ ઓફિસર રણજીત કુમારની પત્ની સૂર્યાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. 45 વર્ષીય સૂર્યા ગાંધીનગર સ્થિતિ પોતાના ઘેર પાછી આવી અને ઘરમાં ઘુસવા ન દેવાતાં ઘર બહાર ઝેરી દવા પીને દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો હતો.
IAS રણજીતકુમાર ગુજરાત વીજ નિયમન પંચનાં સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. તેમજ 45 વર્ષીય તેમની પત્નિ સૂર્યા નવ મહિના પહેલા મહારાજનાં નામથી જાણીતા લોકલ ગેગસ્ટર સાથે ભાગી ગઈ હતી અને નવ મહિના બાદ ઘેર પાછી આવી હતી પરંતુ આઈએએસ રણજીત કુમારે તેને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. રણજીત કુમારે પોતાના સ્ફાટને સૂચના આપી હતી કે, સૂર્યાને તેમનાં ઘરમાં જવા દેવામાં ન આવે. ત્યારે શનિવારે સવારે સૂર્યા જ્યારે ઘરે પહોંચી ત્યારે તેમને ગેટ પર જ રોકી દેવામાં આવ્યા હતા. સૂર્યાએ અંદર જવા માટે ઘણી વિનંતી કરી પરંતું કંઈ જ ઉકેલ ન આવતે સૂર્યાએ બંગલા બહાર જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જે બાદ તેઓને તાત્કાલીક ધોરણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન રવિવારે સવારે તેઓનું મોત નિપજ્યું હતું.
સૂર્યાનું નામ 14 વર્ષ પહેલા એક છોકરાનાં અપહરણ કેસમાં સામે આવ્યું હતું જેમાં તેનો પ્રેમી મહારાજ અને તેના મિત્રો પણ સંડોવાયેલા હતા. આ તમામ લોકોએ છોકરાની મા સાથે પૈસાનાં ઝઘડાને લઈ 11 જુલાઈનાં રોજ અપહરણ કર્યું હતું. જે બાદ છોકરાની મા પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પરંતું મદુરૈ પોલીસે છોકરાને છોડાવી લીધો હતો. જે બાદ પોલીસે સૂર્યા સહિત આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી.