પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમારા કામથી ખુશ છે અને તમને રાજસ્થાનમાં જયપુર-દિલ્હી હાઇવે પર કરોડો રૂપિયાનો બંગલો માત્ર ૧૦ લાખ માંડીને ૧૨ લાખ રૂપિયામાં આપવાનો છે. તેવો પીએમઓના નામે કોલ કરીને છેતરપિંડી આચરતી મેતાવી ગેંગના છ સાગરિતોને અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. આ ગેંગ દ્વારા ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં ભાજપના અનેક કાર્યકરોને ટારગેટ કરીને નાણાં પડાવવામાં આવ્યા હોવાની માહિતી પ્રાથમિક પુછપરછમાં બહાર આવી છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.અમદાવાદમાં રહેતા એક ભાજપના કાર્યકરને આશરે દોઢ મહિના પહેલા અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ પ્રધાનમંત્રી કાર્યાલયથી વાત કરતા કર્મચારી તરીકે આપી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપના કામથી વ્યક્તિગત રીતે ખુશ થયા છે. જેથી રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેની અધ્યક્ષતામાં જયપુર-દિલ્હી હાઇવે પર બની રહેલા ફાર્મ હાઉસના પ્રોજેકટમાં તમને એક બંગ્લો આપવાનો છે. જેની પ્રોસેસીંગ ફી માટે તમારે ૧૦ થી ૧૨ લાખ રૂપિયા ભરવાના રહેશે. જેની કિંમત ચાર કરોડ રૂપિયા જેટલી છે. સાથેસાથે વિશ્વાસ અપાવવા માટે પ્લોટ, બંગ્લોઝની ડિઝાઇન અને રાજકીય ફોટોગ્રાફ્સ વોટ્સએપ કર્યા હતા. જો કે ભાજપના કાર્યકરને શંકા જતા તેણે ક્રાઇમબ્રાંચમા ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ શરૂ કરતી હતી. જેના આધારે હરીયાણાના પલવલનું લોકેશન મળતા ટીમ મોકલીને તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસે છ યુવકોને ઝડપી લીધા હતા. પુછપરછમાં તેમના નામ ઇર્શાદ મેવ , ભરતસિંહ જાંટવ, ઇર્શાદખાન મેવ, સાબીર મેવ, રાકીબ મેવ અને મોહંમદ મેવ (તમામ રહે. પલવલ) હોવાનું જાણવા મળ્યા હતા. આ અંગે ક્રાઇમબ્રાંચના એસીપી ભરત પટેલે જણાવ્યું કે આ ગેંગ સોશીયલ મિડીયા પર નટરાજ પેન્સીલનું કામ ઘરેથી અપાવવાના નામે ઓનલાઇન છેતરપિંડી કરતી હતી. જેમાં પ્રતિમાસ ૧૫ હજાર રૂપિયા કમાવવાની લાલચ આપીને રજીસ્ટ્રેશનના નામે ૬૨૦ રૂપિયા લેતા હતા. એક સીમ કાર્ડથી આ મોડ્સ ઓપરેન્ડીથી ૧૦ જેટલા લોકોને ટારગેટ કર્યા બાદ તે સીમકાર્ડને તોડી નાખતા અને ફરીથી છેતરપિંડી આચરવા માટે નવુ સીમ કાર્ડ લેતા હતા. જો કે તેમને ઓછા નાણાં મળતા હોવાથી તેમણે છેલ્લાં બે થી ત્રણ મહિના દરમિયાન પીએમઓ અને ભાજપના નામનો ઉપયોગ કરીને સોશિયલ મિડીયા પરથી ભાજપના કાર્યકરોને ટારગેટ કરતા હતા. જેમાં સારી એવી રકમ મળતી હતી.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ભરતસિંહ પાતાના કે અન્ય લોકોના નામે સીમકાર્ડ ખરીદીને ઇર્શાદખાન મારફતે ઇર્શાદ અને સાબીરને આપતો હતો. જે બાદ મોહમંદજહાન આ સીમ કાર્ડનો ઉપયોગ ફ્રોડ કોલ માટે કરતો હતો. જેમાં ૧૦ લાખના રોકાણની સામે કરોડો બંગ્લો મળવાની લાલચમાં ભાજપના અનેક કાર્યકરોએ ૧૦ હજારથી માંડીને ૫૦ હજાર સુધીના નાણાં ટ્રાન્સફર કર્યા હતા.