ખેડબ્રહ્માના શ્યામનગર ચાર રસ્તા પાસે એક પરિવારે અંગત કારણસર પોતાના 11 મહિનાના બાળકને વેચી દીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ પરિવારે તેના બાળકને અંદાજે 1.50 લાખ રૂપિયામાં વેચી દેવાનો 6 વ્યક્તિ સાથે સોદો કર્યો હતો. આ ઘટના અંગે પદાર્ફાશ થતાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલે શુક્રવારે 6 શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કરીને 3 જણાની અટકાયત કરી છે.
મહત્ત્વનું છે કે, બે દિવસ અગાઉ અમદાવાદના જાહેર રસ્તા પર બાળકોને દયામણા બનાવીને તેમની પાસે ભીખ મંગાવતા કેટલાક લોકો વિરૂદ્ધ અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ પછી લોકોમાં શંકા ઊભી થઈ હતી કે, ગુજરાતમાં નાના બાળકોની તસ્કરી કરીને ભીખ માગવા માટે ઉપયોગ કરતી ટોળકી સક્રિય થઈ હોવાની શકયતા નકારી શકાતી નથી. જેથી પોલીસે આ દિશામાં ગુપ્ત રાહે તપાસ કરવી જોઈએ. બાળક પાસે ભીખ મંગાવવા માટે તસ્કરી કરી 1.50 લાખ રૂપિયામાં ખરીદનાર જયંતિ ગમાર, ભીખાભાઈ આદિવાસી અને મનોજ ગમારની ખેડબ્રહ્મા પોલીસ અટકાયત કરી પુછપરછ કરતાં ભાંડો ફૂટ્યો હતો.